ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 જુલાઈ, 2021
શુક્રવાર
દેશની મુસ્લિમ મહિલાઓ માટે ક્રાંતિકારી કહેવાતા ઍન્ટી ટ્રિપલ તલાક લૉની આજે બીજી ઍનિવર્સરી છે. એ નિમિત્તે હવે મુસ્લિમ મહિલા સંગઠનોએ મુસ્લિમ સમાજમાં રહેલા બહુપત્નીત્વ અને બાળવિવાહ, નિકાલ હલાલા જેવી પ્રથાઓ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે.
ટ્રિપલ તલાકને 2017ની સાલમાં સુપ્રીમ કોર્ટે ગેરકાયદે ગણાવ્યા બાદ બાદ કેન્દ્ર સરકાર 30 જુલાઈ, 2020ના રોજ મુસ્લિમ વુમેન્સ (પ્રોટેક્શન ઑફ રાઇટ્સ ઑફ મૅરેજ) ઍક્ટ, 2019ના અમલમાં લાવી હતી. જેમાં ત્રણ વખત તલાક બોલીને આપવામાં આવતા છૂટાછેડાને ગુનો ગણવામાં આવ્યો હતો. મહિલાને ત્રણ વખત તલાક બોલનારા પુરુષને ત્રણ વર્ષની સજા આ કાયદા હેઠળ છે. સુપ્રીમ કોર્ટમાં ચાલેલા આ કેસમાં ભારતીય મુસ્લિમ મહિલા આંદોલન (BMMA) પિટિશનર હતી.
ટ્રિપલ તલાકને મુદ્દે સફળતા મળ્યા બાદ હવે ભારતીય મુસ્લિમ મહિલા આંદોલને મુસ્લિમ સમાજમાં ચાલતા બહુપત્નીત્વ, બાળવિવાહ અને નિકાલ હલાલા (જેમાં પહેલા પતિને છૂટાછેડા આપ્યા બાદ ફરી તેની સાથે લગ્ન કરવાં હોય તો એ માટે બીજા પુરુષ સાથે મહિલાએ એક રાત ગાળવી પડે છે) માટે કાયદો ઘડવાની હવે સરકાર સમક્ષ માગણી કરી છે. એટલું જ નહીં, પણ બહુપત્નીત્વ, બાળવિવાહ, નિકાલ હલાલાને લઈને સુપ્રીમ કોર્ટે પિટિશન સ્વીકારે એવી માગણી પણ BMMA દ્વારા કરવામાં આવી છે.