ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૭ જૂન, ૨૦૨૧
સોમવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં મોટી જાહેરાત કરી છે. એ અનુસાર હવે આગામી ૨૧ જૂનથી એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસથી ૧૮ વર્ષથી ઉપરના લોકોને નિ:શુલ્ક વેક્સિન અપાશે.
આ જાહેરાત કરતાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે “આજથી બે અઠવાડિયાં બાદ એટલે કે ૨૧ જૂનથી કેન્દ્ર સરકાર રાજ્યોને ૧૮ વર્ષથી ઉપરના લોકો માટે નિ:શુલ્ક વેક્સિનનો પુરવઠો પૂરો પાડશે.” આ માટે કેન્દ્ર સરકાર વેક્સિન ઉત્પાદકો પાસેથી ૭૫% રસી લઈ અને રાજ્યોને આપશે. એથી હવે દેશની કોઈપણ રાજ્ય સરકારે રસીનો ખર્ચ ઉઠાવવો પડશે નહિ. આ બદલ આગામી સમયમાં કેન્દ્ર રાજ્ય સરકારો સાથે મળીને કામ કરશે.
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાને ઉમેર્યું હતું કે “અત્યાર સુધીમાં કરોડો લોકોને મફત વેક્સિન મળી છે અને હવે ૧૮ વર્ષથી ઉપરના લોકોને પણ આનો લાભ મળશે.” આ નિર્ણય અનુસાર હવે ભારત સરકાર જ તમામ દેશવાસીઓ માટે મફત રસી ઉપલબ્ધ કરાવી આપશે. જોકે, જે લોકો પ્રાઇવેટ હોસ્પિટલમાં પૈસા ચૂકવી વેક્સિન લેવા માગે છે તેમને પણ છૂટ આપવામાં આવી છે. વેક્સિનનો બાકીનો ૨૫% જથ્થો પ્રાઇવેટ હોસ્પિટલ ખરીદી રસીકરણ કરી શકશે. સર્વિસ ચાર્જ રૂપે હવે મહત્તમ ૧૫૦ રૂપિયા જ લઈ શકાશે.