ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 જૂન 2021
સોમવાર
કોરોના પર નિયંત્રણ લાવવા માટે નાગરિકો તેમ જ વેપારીઓ પાસેથી મદદની આશા રાખનારી સરકારને જોકે લોકોની ફરિયાદ સાંભળવા માટે સમય નથી. કરન્સી નોટો દ્વારા શું ખરેખર કોરોના ફેલાય છે એવો સવાલ છેલ્લા છ મહિનાથી ચેમ્બર ઑફ ઍસોસિયેશન ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડ (CAMIT) દ્વારા કરવામાં આવી રહ્યો છે, પરંતુ કેન્દ્ર સરકારના આરોગ્ય પ્રધાન તેમ જ આરોગ્ય ખાતાને એનો જવાબ આપવાનો હજી સુધી સમય મળ્યો નથી. એની સામે વેપારીઓએ નારાજગી જાહેર કરી છે
CAMIT દ્વારા નૅશનલ પ્રેસડિન્ડ પ્રવીણ ખંડેલવાલના કહેવા મુજબ સરકાર પાસે કોરોનાને લગતા સવાલનો જવાબ આપવાનો સમય નથી. એકતરફ સરકાર લોકો પાસે કોરોનાને નિયંત્રણમાં રાખવા માટે મદદની અપેક્ષા રાખે છે. એની સામે સરકાર કોઈ પ્રકારની મદદ કરવા તૈયાર નથી. ગયા વર્ષે જ્યારે કોરોનાના કેસ ભારતમાં નોંધાયા ત્યારે જ કેન્દ્રીય આરોગ્યપ્રધાન ડૉ. હર્ષવર્ધનને પત્ર મોકલીને કરન્સીથી કોરોના ફેલાય છે એવો સવાલ કર્યો હતો. ત્યાર બાદ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચને પણ પત્ર મોકલવામાં આવ્યો હતો. જોકે છ મહિના બાદ પણ બંને પક્ષ તરફથી કોઈ જવાબ મળ્યો નહોતો. આ વાતને લગભગ સવા વર્ષનો સમય વીતી ગયો છે. છતાં હજી તેમની પાસેથી કોઈ જવાબ મળ્યો નથી.
અહીં ઉલ્લેખનીય છે કે દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ આ વિષય પર અનેક રિસર્ચ થયાં છે. જેમાં કરન્સી નોટ પર વિષાણુ લાંબા સમય સુધી રહેતા હોવાનું સામે આવ્યું છે, ત્યારે કરન્સી નોટો રોજના હજારો લોકોના હાથમાં ફરતી હોય છે ત્યારે એનાથી કોરોના ફેલાવાનું જોખમ પણ વધારે છે. એમાં પણ દેશના 130 કરોડ લોકો પોતાની તમામ જરૂરિયાતની વસ્તુઓ વેપારીઓ પાસેથી ખરીદતા હોય છે. એથી વેપારીઓને તેમના વર્કરોને કરન્સી નોટને કારણે કોરોનાનો ચેપ લાગવાનું જોખમ વધારે હોવાનું ફરિયાદ પણ CAMIT કરી હતી.