ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 જાન્યુઆરી 2022
મંગળવાર
દેશ સહિત વિશ્વભરમાં દ.આફ્રિકામાંથી મળી આવેલા ઓમીક્રોનના વધતા જતા કેસ વચ્ચે ભારતમાં 15થી 18 વર્ષના બાળકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવાનું શરૂ થયું હતું. એક જ દિવસમાં દેશમાં 41 લાખથી વધુ બાળકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો હતો. જોકે એડવાન્સ રજિસ્ટ્રેશન ઓછું થયું હતું, પરંતુ તેની સામે આઠ ગણાં બાળકોનું વેક્સિનેશન થયું હતું. આ જાણકારી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને આપી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે સોમવારે 15 થી 18 એજગૃપમાં રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે રાત્રે 8 વાગ્યા સુધી 41 લાખથી વધુ કિશોરોએ કોવિડ-19 વિરોધી રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો હતો. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં 146.61 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. સોમવારે રાત્રે 10.15 વાગ્યા સુધી 98 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. આ દરમિયાન 1 જાન્યુઆરીએ રસીકરણની નોંધણી શરૂ થયા બાદ રાત્રે 10.15 વાગ્યા સુધી કોવિન પોર્ટલ પર 53 લાખથી વધુ કિશોરોએ આ રસી લેવા માટે નોંધણી કરાવી છે.
ઓમિક્રોનનો ભય! વધતા જતા કેસ વચ્ચે દિલ્હી, હરિયાણા સહિતના આ 7 રાજ્યોમાં સ્કૂલ-કોલેજ ફરી એકવાર બંધ; જાણો વિગતે
નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે રસીકરણ કરાયેલા લોકોને અને તેમના પરિવારોને અભિનંદન પાઠવ્યા હતા અને વધુમાં વધુ બાળકોને આ અભિયાનમાં ભાગ લેવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું, આજે અમે યુવાનોને કોવિડ-19થી રક્ષણ આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રસીકરણ મેળવનાર 15 થી 18 વર્ષની વય જૂથના તમામ બાળકોને અભિનંદન! તેમના પરિવારજનોને પણ અભિનંદન. હું યુવાનોને આગામી દિવસોમાં રસીકરણ કરાવવા વિનંતી કરુ છું.
ઉલ્લેખનીય છે કે ગત 25 ડિસેમ્બરના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 3 જાન્યુઆરીથી દેશવ્યાપી કોવિડ રસીકરણ કાર્યક્રમમાં 15 થી 18 વર્ષની વય જૂથને સામેલ કરવાની જાહેરાત કરી હતી.