ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,20 જાન્યુઆરી 2022
ગુરુવાર
ભારત અને ચીન વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલી તંગદિલી વચ્ચે ચીને ભારત સાથે જોડાયેલી બાકીની સરહદોએ પોતાની નાપાક હરકતો ચાલુ રાખી છે. ચીનની પીએલએ એટલે કે પીપલ્સ લિબરેશન આર્મીએ અરૂણાચલ પ્રદેશ સાથે જોડાયેલી સરહદેથી એક 17 વર્ષના બાળકનું અપહરણ કરી લીધું છે. રાજ્યના સાંસદ તાપિર ગાઓએ આ અંગે કેન્દ્રને સૂચિત કર્યું હતું.
મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, બુધવારે અપ્પર સિયાંગ જિલ્લામાંથી કરવામાં આવ્યું હતું. આ મામલો સામે આવ્યા બાદ ભારતીય સેનાએ તરત જ પીએલએનો સંપર્ક કર્યો હતો. પીએલએને તેમના વિસ્તારોમાં તેને શોધવા તથા એએસટીડી પ્રોટોકોલ પ્રમાણે તેને મુક્ત કરવાની માંગ કરી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે પણ ચીની સેનાને બાળકને શોધવા માટે અને પ્રોટોકોલ પ્રમાણે પરત સોંપવા માટે કહ્યું છે. જો કે ચીને હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
પાકિસ્તાન વિરુદ્ધ અફઘાનિસ્તાનમાં લોકો રસ્તા પર ઉતર્યા. જાણો શું છે કિસ્સો....
ઉલ્લેખનીય છે કે ચીન આ પહેલા પણ આવું કામ કરી ચુક્યું છે. અગાઉ ચીનના PLAએ સપ્ટેમ્બર 2020માં અરુણાચલ પ્રદેશના અપર સુબાનસિરી જિલ્લામાંથી પાંચ યુવકોનું અપહરણ કર્યું હતું અને લગભગ એક અઠવાડિયા પછી તેમને મુક્ત કર્યા હતા. તાજેતરની ઘટના એવા સમયે બની છે જ્યારે ભારતીય સેના એપ્રિલ 2020 થી પૂર્વી લદ્દાખમાં PLA સાથે સંઘર્ષમાં વ્યસ્ત છે.
ભારત લદ્દાખથી અરુણાચલ પ્રદેશ સુધી ચીન સાથે 3,400-km-લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) શેર કરે છે. આ સરહદ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાંથી પસાર થાય છે. તે ત્રણ ક્ષેત્રોમાં વહેંચાયેલું છે - પશ્ચિમી ક્ષેત્ર જમ્મુ અને કાશ્મીર, મધ્ય ક્ષેત્ર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ અને પૂર્વીય ક્ષેત્ર એટલે કે સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ. જો કે, બંને દેશો વચ્ચે કોઈ સંપૂર્ણ સીમાંકન નથી.