News Continuous Bureau | Mumbai
પરિણીત દીકરીને અનુકંપાનાં આધારે નોકરી આપવાના મામલે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે વિધવા માતાની સંમતિ વિના પરિણીત પુત્રીને નોકરી આપી શકાય નહીં. કોર્ટ દ્વારા પોતાના નિર્ણય અંગે આપવામાં આવેલા તર્ક મુજબ કાયદો પિતાના મૃત્યુ બાદ દીકરીઓને નોકરી આપવાના પક્ષમાં છે. તેથી હાલના કિસ્સામાં પુત્રી તેના પિતાની જગ્યાએ મધ્યપ્રદેશ પોલીસમાં નોકરી માટે પાત્ર છે. જોકે વિધવા માતાએ નોકરી આપવાનું મંજૂર નહોતું કર્યું જે મધ્યપ્રદેશ સરકારના નિયમો મુજબ જરૂરી છે. આ કારણે કોર્ટે પુત્રીને અનુકંપાના આધારે નોકરી આપવાનો ઈનકાર કર્યો છે.
મધ્યપ્રદેશના આ કિસ્સામાં, સરકારી કર્મચારીના મૃત્યુ પછી, વિધવા માતા વતી પોલીસ વિભાગને અરજી કરવામાં આવી હતી કે તેના પુત્રને દયાના ધોરણે સબ-ઇન્સ્પેક્ટરની નોકરી આપવામાં આવે. પરંતુ ડિસેમ્બર 2015માં અનફિટ હોવાના કારણે પુત્રને નોકરી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આ પછી પુત્રીએ અરજી કરી અને નિમણૂકની માંગણી કરી હતી. હકીકતે પિતાના અવસાન બાદ દીકરીએ પ્રોપર્ટી ડિવિઝન મામલે માતા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે જે હજી સુધી કોર્ટમાં પેન્ડિંગ છે. આ કારણે જ માતાએ પુત્રીને નોકરી આપવાની ભલામણ નહોતી કરી. આ આધાર પર વિભાગે તેની અરજી પણ ફગાવી દીધી હતી. વિભાગ દ્વારા નોકરીની અરજી ફગાવી દેવાયા બાદ મામલો મધ્યપ્રદેશ (MP) હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : સંસદમાં મોદી સરકારનો જવાબ, દેશમાં હજૂ આટલા કરોડ લોકોએ નથી લીધી રસી; જાણો કેટલા ટકા લોકોનું થયું સંપૂર્ણ રસીકરણ
હાઇકોર્ટે મધ્યપ્રદેશ પોલીસ (નોન-ગેઝેટેડ) સર્વિસ રૂલ્સ 1997ની કલમ 2.2ને ટાંકીને પુત્રીને નોકરીનો ઓર્ડર આપવાનો ઇનકાર કર્યો હતો. આ નિયમમાં એવું કહેવામાં આવ્યું છે કે સરકારી કર્મચારીના મૃત્યુ પછી જો આશ્રિત જીવનસાથી અનુકંપાભરી નોકરી માટે લાયક ન હોય અથવા જો તે પોતે નોકરી ઇચ્છતા ન હોય તો તે તેના પુત્ર અથવા અપરિણીત પુત્રીની નિમણૂક માટે ભલામણ કરી શકે છે. હાઈકોર્ટના આદેશ સામે પુત્રીએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.
એડવોકેટ દુષ્યંત પરાશરે સુપ્રીમ કોર્ટમાં પુત્રી વતી દલીલ કરી હતી કે સુપ્રીમ કોર્ટના 2021ના કર્ણાટક વિરુદ્ધ સીએન અપૂર્વના ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે પરિણીત પુત્રીઓ પણ અનુકંપા નિમણૂક માટે પાત્ર છે. તેના પર જસ્ટિસ અજય રસ્તોગી અને સીટી રવિની ખંડપીઠે કહ્યું કે સુપ્રીમ કોર્ટના તે ચુકાદામાં કંઈ ખોટું નથી, પરંતુ હાલના કેસમાં મધ્યપ્રદેશ સરકારના નિયમો આડે આવી રહ્યા છે, જે સ્પષ્ટપણે જણાવે છે કે પુખ્ત વયના બાળકની અનુકંપા નિમણૂક માટે વિધવા માતાની ભલામણ જરૂરી છે. એટલે અરજી ફગાવી દેવામાં આવે છે.