ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
અમેરિકાના પાંચ દિવસની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ-19 સમિટને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન ભારતને કરવામાં આવેલી મદદ અને સમર્થન માટે વિશ્વનો આભાર માન્યો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન તરફથી આયોજીત કોવિડ-19 શિખર સંમેલનમાં પીએમ મોદીએ કહ્યું કે, '20 કરોડથી વધુ ભારતીયોનું સંપૂર્ણ રીતે રસીકરણ થઈ ગયું છે.' તેમણે કહ્યું કે, 'મહામારી એક અભૂતપૂર્વ વ્યવધાન રહી છે અને હજુ પણ તે ખતમ નથી થઈ. દુનિયાના મોટાભાગમાં હજુ રસીકરણ થવાનું બાકી છે. તેથી રાષ્ટ્રપતિ જો બાઈડેનની આ પહેલ સામયિક અને સ્વાગત યોગ્ય છે.'
6 મહિનામાં, 6 રાજ્યોના મુખ્ય મંત્રીઓ બદલાયા, રાજનીતિમાં આવ્યો નવો વળાંક; જાણો વિગત
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'ભારતે હંમેશા માનવતાને એક પરિવાર તરીકે જોઈ છે. કોરોના સામેના જંગ માટે, ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગે કોસ્ટ ઇફેક્ટિવ ડાયગ્નોસ્ટિક કીટ, દવાઓ, તબીબી સાધનો અને PPE કીટનું ઉત્પાદન કર્યું છે. અમે કોરોના દરમિયાન 150થી વધુ દેશોની મદદ કરી છે અને તેમને દવાઓ ઉપલબ્ધ કરાવી છે. આ વર્ષની શરૂઆતમાં અમે અમારા વેક્સિન ઉત્પાદનને 95 અન્ય દેશો અને સંયુક્ત રાષ્ટ્રના સૈનિકો સાથે શેર કરી છે. જ્યારે અમે બીજી લહેરમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક પરિવારની જેમ દુનિયા પણ ભારતની સાથે ઉભી હતી. ભારતને આપેલા સમર્થન માટે હું તમારો આભાર માનુ છું.'
પીએમ મોદીએ કહ્યું કે 'જેમ-જેમ ભારતીય વેક્સિન વિકસાવવામાં આવી રહી છે, તેમ અમે હાલની વેક્સિન ઉત્પાદનની ક્ષમતામાં પણ વધારો કરી રહ્યા છીએ. જેમ-જેમ અમારું ઉત્પાદન વધે છે તેમ અમે ફરીથી અન્ય લોકોને વેક્સિન સપ્લાય કરી શકીશું જોકે, આ માટે કાચા માલની સપ્લાય ચેઇન ખુલ્લી રાખવી પડશે.' વધુમાં તેમણે કહ્યું કે 'ભારત હવે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચલાવી રહ્યું છે. તાજેતરમાં, દેશમાં એક દિવસમાં 2.5 કરોડ લોકોને રસી આપવામાં આવી હતી.'
આ દરમિયાન વડાપ્રધાને તમામ દેશોને એકબીજાના વેક્સિન સર્ટિફિકેટને માન્યતા આપવાની અપીલ પણ કરી હતી. તેમણે કહ્યું કે, 'એકબીજાના વેક્સિન સર્ટિફિકેટને માન્યતા આપીને આપણે આંતરરાષ્ટ્રીય મુસાફરીને સરળ બનાવી શકીએ છીએ.'