ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઑક્ટોબર, 2021 hh
શનિવાર
છેલ્લા ઘણા સમયથી તેલના ભાવ આસમાને પહોંચી ગયા છે. દરેક ઘરમાં તેલ આવશ્યક ચીજવસ્તુ છે. સામાન્ય લોકો માટે હવે તેલ ખરીદવું એ એક ચિંતાનો વિષય બની ગયો છે, ત્યારે 8 ઑક્ટોબરના રોજ કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એક પરિપત્ર દ્વારા તેલ અને તેલીબિયાં પર સ્ટૉક મર્યાદા લાદવાનો આદેશ આપ્યો હતો, કારણ કે છેલ્લા બે મહિનાની અંદર બે વખત આયાત ડ્યૂટીમાં ઘટાડો થયો હતો, જેના કારણે તેલની કિંમત નીચે આવી ન હતી.
ઑલ ઇન્ડિયા એડિબલ ઑઇલ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના મેટ્રોપોલિટન પ્રમુખ શ્રી શંકર ઠક્કરે ન્યુઝ કન્ટિન્યુઝને અખબારી યાદીમાં જણાવ્યું હતું કે સરકારના આ આદેશ અનુસાર આ સ્ટૉક મર્યાદા 31 માર્ચ, 2022 સુધી લાગુ રહેશે. આ ઑર્ડર પર રાજ્યને સ્ટૉક મર્યાદા નક્કી કરવાની સત્તા આપવામાં આવી છે, જે મુજબ કેન્દ્રએ રાજ્યોને તેમના સ્ટૉક અને વપરાશની પેટર્ન જોયા બાદ સ્ટૉકને લાગુ કરવાની જવાબદારી આપી છે, આ સ્ટૉક મર્યાદામાં નિકાસકારો, આયાતકારોનો સમાવેશ થતો નથી. સ્ટૉકિસ્ટો, ઑઇલ મિલરો, જથ્થાબંધ વેપારીઓ,એક્સ્ટ્રેક્ટરોએ રાજ્ય દ્વારા આપેલાં ધોરણો કરતાં વધારે સ્ટૉક ધરાવતા લોકોએ તાત્કાલિક 30 દિવસની અંદર પોર્ટલ પર આની જાણ કરવી પડશે.
જે નિકાસકારો, રિફાઇનર, મિલર, એક્સ્ટ્રેક્ટર, જથ્થાબંધ વેપારી અથવા તેલીબિયાં અને તેલીબિયાંના સ્ટૉકમાં IEC કોડ ધરાવતા ડીલર્સ છે, તેને આ મર્યાદા લાગુ થશે નહીં.
આયાતકારો જે રિફાઇનર, મિલર, એક્સ્ટ્રેક્ટર, જથ્થાબંધ વેપારી અથવા ડીલર છે તેઓએ આયાત કરેલા માલ એટલે કે સ્રોત વિશે માહિતી આપવી પડશે.
જેમને સ્ટૉક લિમિટ લાગુ પડશે તેમણે ઑનલાઇન પોર્ટલ પર ખાદ્ય તેલ અને તેલીબિયાંના સ્ટૉક વિશે માહિતી આપવાની રહેશે. હવે જોવાનું રહેશે કે રાજ્ય સરકારો સ્ટૉકની રકમ કેવી રીતે ફાળવે છે. આ સમાચારને કારણે તેલ-તેલીબિયાં બજારોમાં ગભરાટનું વાતાવરણ છે.
ઠક્કરે આગળ કહ્યું કે છેવટે બજારો સપ્લાય અને ડિમાન્ડ પર ચાલે છે. ભૂતકાળમાં પણ ઘણી વખત સરકારે તેજ બજારોને નિયંત્રિત કરવા માટે સ્ટૉક મર્યાદા લાદી હતી, પરંતુ જ્યાં સુધી બજારોમાં માલની ઉપલબ્ધતા ન હોય ત્યાં સુધી બજારો નિયંત્રણમાં આવતી નથી. સ્ટૉક મર્યાદા લાદવી એ માત્ર એક પ્રદર્શન છે અને અધિકારીઓને વેપારીઓને પરેશાન કરવાની અને ભ્રષ્ટાચાર વધારવામાં મદદ કરવાની તક પૂરી પાડે છે.