ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 જાન્યુઆરી 2022
શુક્રવાર
દેશમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3.47 લાખથી વધારે કેસ સામે આવ્યા છે. બુધવારના મુકાબલે 29,722 વધારે કેસ સામે આવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,47,254 નવા કેસ નોંધાયા છે અને 703 દર્દીઓનાં મોત થયા છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં 3,85,66,027 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને કુલ 4,88,396 લોકોના મોત થયા છે. દરમિયાન દેશમાં ગુરુવારે 2,51,777 દર્દીઓ સાજા થયા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,60,58,806 લોકો ચેપને કારણે સાજા થયા છે. હાલમાં રિકવરી રેટ 93.50 ટકા છે.
નવા કેસોમાં સક્રિય કેસોમાં પણ તેજી જોવા મળી રહી છે અને આ આંકડો 20 લાખને વટાવી ગયો છે. દરમિયાન, કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસમાં પણ વધારો થયો છે. ઓમિક્રોનના કુલ કેસ 9,692 થયા છે. જોકે મહામારીના સંકટ વચ્ચે દેશમાં પૂરપાટ ઝડપે રસીકરણ પણ ચાલુ છે. દેશમાં અત્યાર સુધીમાં 1,60,43,70,484 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે.