ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 ફેબ્રુઆરી 2022
મંગળવાર.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. સોમવારે લોકસભામાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા બાદ આજે ફરી એક વખત રાજ્યસભામાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર નિશાના પર લીધો હતો. કોરોના સંક્રમણ મુદ્દે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા બાદ આજે તેમણે રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવારના મોંફાટ વખાણ કર્યા હતા અને તેમની પાસેથી પાઠ ભણવાની સલાહ પણ આપી હતી.
કોંગ્રેસ ન હોત તો શું થાત? આ એક એવો મુદ્દો છે જે કોંગ્રેસના નેતાઓ હંમેશા ઉઠાવતા રહે છે. વડાપ્રધાન મોદીએ તેનો જવાબ આપતા કહ્યું હતું કે 'ભારત ઈઝ ઈન્દિરા, ઈન્દિરા ઈઝ ઈન્ડિયા' એવું કહેવાતું. પરંતુ જો કોંગ્રેસ ન હોત તો દેશ પર કટોકટીનું કલંક લાગ્યું ન હોત. કોંગ્રેસ ન હો તો શીખોનો નરસંહાન ના થયો હોત. પંજાબે વર્ષો સુધી આંતકવાદનો સામનો કરવો ના પડ્યો હતો, કોંગ્રેસ ન હોત તો કાશ્મીરી પંડિતો નાસી ગયા ન હોત, કોંગ્રેસ ન હોત તો તંદૂરમાં છોકરીઓની હત્યા ન થઈ હોત, કોંગ્રેસ ન હોત તો દેશ ભ્રષ્ટાચારથી ગ્રસ્ત ન હોત, એવા ચાબખા પણ મોદીએ કોંગ્રેસના માર્યા હતા.
ભારતે કોરોના સંકટને પહોંચી વળવા માટે સ્વદેશી રસીઓ વિકસાવી છે. દેશના વિજ્ઞાનીઓએ ઘણું સારું કામ કર્યું છે. રસીકરણ અભિયાન હાથ ધરાયું. સમગ્ર વિશ્વમાં ભારતના પ્રદર્શનની પ્રશંસા થઈ રહી છે. કોંગ્રેસે આનો શ્રેય લેવાનો પ્રયાસ કર્યો હોત તો સારું થાત. તમારા ખાતામાં કંઈક જમા થયું હોત. હવે એ પણ શીખવાડવું પડશે, એવો કટાક્ષ પણ મોદીએ કોંગ્રેસ પર કર્યો હતો.
કોંગ્રેસ પર નિશાન સાધતા સમયે મોદીએ જોકે શરદ પવારનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે કેટલાક લોકોને આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. કેન્દ્ર સરકારે કોરોના સંકટ પર સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. કોંગ્રેસના નેતાએ પોતે બેઠકમાં હાજરી આપી હતી અને અન્ય પક્ષોને હાજરી ન આપે તેવા પ્રયાસ કર્યા હતા અને સભાનો બહિષ્કાર કર્યો હતો પણ હું શરદ પવારનો આભાર માનું છું. તેઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમના મૂલ્યવાન સૂચનો આપ્યા હતા. શરદ પવારની સાથે તૃણમૂલ કોંગ્રેસ અને અન્ય કેટલાક પક્ષો પણ બેઠકમાં સામેલ થયા હતા.
વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોરોનાનું સંકટ મનુષ્ય જાતિ પર હતું, છતાં તમે સભાનો બહિષ્કાર કર્યો હતો.