ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 13 ડિસેમ્બર 2021
સોમવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું છે. પીએમ મોદીએ આ પહેલા ગંગામાં ડૂબકી લગાવી અને પવિત્ર જળ લઈને ભગવાન શિવને અર્પિત કર્યું તથા પૂજા-અર્ચના કરી. આ અવસરે પીએમ મોદીએ કાશીના ગૌરવપૂર્ણ ઈતિહાસને યાદ કર્યો. સાથે જ તેમણે શિવાજી અને રાજા સુહેલદેવથી લઈને હોલ્કરના મહારાણી અને મહારાજા રણજીત સિંહના યોગદાનને પણ યાદ કર્યા હતા. આ ઉપરાંત પીએમ મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોરનું નિર્માણ કરનારા મજૂરો પર પુષ્પવર્ષા કરી. એટલું જ નહીં તેમણે તમામ મજૂરો સાથે ફોટો પણ પડાવ્યો.
પીએમ મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદઘાટન બાદ સંબોધન પણ કર્યું. જેમાં તેમણે ત્રણ સંકલ્પ લેવા પણ જણાવ્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે મંદિરમાં આપણે ભગવાન પાસે અનેકવાર કઈને કઈ માંગીએ છીએ. મારા માટે જનતા ઈશ્વરનું રૂપ છે. હું તમારી પાસે માંગુ છું કે આપણા દેશ માટે ત્રણ સંકલ્પ કરો. 1. સ્વચ્છતા, 2. સૃજન, અને 3. આત્મનિર્ભર ભારત માટે નિરંતર પ્રયાસ.
સંબોધનમાં આગળ પીએમ મોદીએ કહ્યું કે, માતા ગંગાની સફાઈ માટે ઉત્તરાખંડથી લઈને પશ્ચિમ બંગાળ સુધી અનેક પ્રયત્નો ચાલી રહ્યા છે. હું આહવાન કરું છું કે પૂરી તાકાતથી સૃજન કરો, ઈનોવેટિવ રીતે ઈનોવેટ કરો. દરેક ભારતવાસી જ્યાં પણ છે જે પણ ક્ષેત્રમાં છે, દેશ માટે કંઈક નવા પ્રયત્ન કરશે ત્યારે નવા માર્ગ બનશે. જ્યારે ભારત 100 વર્ષ આઝાદીના ઉજવશે ત્યારે ભારત કેવું હશે તેના માટે અત્યારથી પ્રયત્ન કરવાનો રહેશે. આપણે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે નિરંતર પ્રયત્ન કરતા રહેવાના છે. એવું ભારત બનાવવાનું છે જેમાં આપણે વોકલ માટે લોકલ બનીએ.
વધુમાં પીએમ મોદીએ કહ્યું કે અહીં કેટલીય સલ્તનતો આવી અને ગઈ પરંતુ બનારસ ત્યાંનું ત્યાં જ છે. ઔરંગઝેબના અત્યાચારનું કાશી સાક્ષી છે. જેણે સંસ્કૃતિને કટ્ટરતાથી કચડવાની કોશિશ કરી. અહીં જો ઔરંગઝેબ આવે છે તો શિવાજી પણ ઊભા થાય છે. જો સાલાર મસૂદ આગળ વધે છે તો મહારાજા સૂહેલદેવ તેનો મુકાબલો કરે છે. અંગ્રેજોના જમાનામાં કાશીના લોકોએ શૌર્ય દેખાડ્યું. આજનું સમય ચક્ર જુઓ, આતંકના પર્યાય ઈતિહાસના કાળા કાગળોમાં સમેટાઈને રહી ગયો છે.
પીએમ મોદીએ કહ્યું કે કાશી તો કાશી છે, કાશી અવિનાશી છે. કાશીમાં એક જ સરકાર છે, જેના હાથમાં ડમરું છે, તેની સરકાર છે. જ્યાં ગંગા પોતાની ધારા બદલીને વહેતી હોય, તે કાશીને ભલા કોણ રોકી શકે? અહીં બધુ મહાદેવની ઈચ્છાથી થાય છે. જે પણ કઈ થયું તે બધું મહાદેવે કર્યું છે.