ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૨ જુલાઈ, ૨૦૨૧
સોમવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે લોકોને અપીલ કરી છે કે જમીની સ્તરે અસાધારણ કામગીરી કરી રહેલા લોકોનાં નામ પદ્મ ઍવૉર્ડ્સ માટે તેમની પસંદગીના લોકોને નોમિનેટ કરે અને તેમનાં નામ સરકાર સુધી પહોંચાડે. તેમણે ટ્વીટ કરીને સામાન્ય લોકોને આ કામ કરવા જણાવ્યું છે. ભારતના સર્વોચ્ચ પુરસ્કારો માટે મોદીએ આ ટ્વીટ મારફતે લોકોને નામ આપવા કહ્યું છે.
વડા પ્રધાને એવા પ્રેરણાદાયી લોકોનાં નામ 15 સપ્ટેમ્બર સુધીમાં મોકલવાનું કહ્યું છે. આ ઍવૉર્ડ માટેની વેબસાઇટની લિન્કને શૅર કરતાં તેમણે ટ્વીટ કર્યું હતું કે, “ભારત પાસે ઘણા પ્રતિભાશાળી લોકો છે, જેઓ જમીની સ્તરે અસાધારણ કામ કરી રહ્યા છે. તમે તેને પદ્મ ઍવૉર્ડ માટે નોમિનેટ કરી શકો છો. નામાંકન 15 સપ્ટેમ્બર સુધી ચાલુ છે.” આ માટે padmaawards.gov.in વેબસાઇટ આપવામાં આવે છે.
મોદી સરકાર સત્તામાં આવ્યા પછી પદ્મ ઍવૉર્ડ સામાન્ય લોકો સુધી પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ માટે એવા લોકોની પસંદ કરવામાં આવી રહી છે જેઓ જમીની સ્તરે ખરેખર ઉત્તમ કાર્ય કરે છે, પરંતુ તેઓ ઘણી વાર વિસ્મૃતિમાં જીવે છે. વડા પ્રધાને આવા લોકોના સન્માન માટે પહેલ કરી છે. વર્ષોથી, મોદી સરકારે વિવિધ ક્ષેત્રોમાં અનેક લોકોને તેમની સિદ્ધિ અને સમાજમાં તેમના યોગદાન બદલ પદ્મ ઍવૉર્ડથી સન્માનિત કર્યા છે.