ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021
સોમવાર
પશ્ચિમ બંગાળમાં થનારી પેટાચૂંટણીમાં મમતા બેનર્જી સામે ભવાનીપુર સીટથી ભાજપનાં પ્રિયંકા ટીબરેવાલ ઝંપલાવી શકે છે. બંગાળની આ સહુથી હૉટ સીટ છે. ભાજપ ગુરુવારે વકીલ પ્રિયંકા ટીબરેવાલના નામની જાહેરાત કરી શકે છે.
આ સંદર્ભે પ્રિયંકા ટીબરેવાલે જણાવ્યું હતું કે પાર્ટીએ તેમને ભવાનીપુરથી ચૂંટણી લડવાની ઇચ્છા છે કે નહીં તે બાબતે પૂછ્યું છે. આ સીટ ઉપરથી ચૂંટણી લડવા માટે બીજેપીમાં ઘણાં નામો પર ચર્ચા ચાલી રહી છે.
પ્રિયંકા ટીબરેવાલ રાજકારણમાં આવ્યાં એ પહેલાં પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોનાં કાનૂની સલાહકાર પણ રહી ચૂક્યાં છે. સુપ્રિયોના કહેવા ઉપર જ તેઓ વર્ષ ૨૦૧૪માં બીજેપીમાં જોડાયાં હતાં. વર્ષ ૨૦૧૫માં ટીબરેવાલે ભાજપના ઉમેદવાર તરીકે એટલીથી કોલકાતા નગર પરિષદની ચૂંટણી લડી હતી પણ તેઓ હારી ગયાં હતાં. ભાજપમાં જોડાયાંનાં છ વર્ષમાં પ્રિયંકા ટીબરેવાલે ઘણા મહત્ત્વપૂર્ણ મોરચે કામ સંભાળ્યું છે. ઑગસ્ટ ૨૦૨૦માં તેમને પશ્ચિમ બંગાળમાં ભાજપના યુવા મોરચાના ઉપાધ્યક્ષ પણ બનાવવામાં આવ્યાં હતાં.