ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 13 ડિસેમ્બર 2021
સોમવાર.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ જયપૂરમાં કોંગ્રેસ આયોજિત “મોંધવારી હટાવો” મહારેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર પર જોરદાર પ્રહારો કર્યા હતા. કોંગ્રેસે દેશમાં 70 વર્ષમાં જે ઉભું કર્યું તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેચવા કાઢ્યું છે એવી ટીકા કોગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીએ નરેન્દ્ર મોદી સહિત ભાજપ પર કરી હતી. તો રાહુલ ગાંધીએ તેઓ સત્યાગ્રહી છે, સત્તાગ્રહી નહીં એવા આકરા શબ્દોમાં મોદી અને ભાજપ સરકારના હિંદુત્વના એજેન્ડાને લઈને સુનાવ્યું હતું.
ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે કોંગ્રેસે ચૂંટણીને ધ્યાનમાં રાખીને દેશમાં જુદા રાજયમાં પોતાનો પ્રચાર ચાલુ કરી દીધો છે, તેમાં જયપૂરમાં ‘મોઁધવારી હટાવો’ રેલીમાં રાહુલ સહિત પ્રિયંકા ગાંધી બંનેએ હાજરી પૂરાવી મોદી અને ભાજપને જુદા જુદા મુદ્દાઓ પર ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
ઉત્તર પ્રદેશમાં લખીમપૂરમાં ખેડૂતોનો હત્યાકાંડ, કૃષિ કાયદાના માધ્યમથી ખેડૂતોની થયેલી હેરાનગતિનો મુદ્દે પ્રિયંકા ગાંધીએ ઉઠાવીને યોગી અને મોદી સરકાર બંનેની આકરા શબ્દોમાં ટીકા હતી. મોદી સરકાર દેશના અમુક ઉદ્યોગપતિઓના હિત માટે જ કામ કરતી હોવાનો આરોપ પણ તેમણે કર્યો હતો. કેન્દ્ર પાસે 160 કરોડ રૂપિયાના વિમાન ખરીદવા પૈસા છે પણ ખેડૂતો માટે નથી. 70 વર્ષમાં કોગ્રેસની સરકારે જે ઊભુ કર્યું તે બધું વેચી નાખવાની મોદી સરકારની ઈચ્છા છે એવો આરોપ સુદ્ધા તેમણે કર્યો હતો.
કોરોના કી ઐસી કી તૈસી! ક્રિસમસને લઈને પર્યટન સ્થળોમાં એડવાન્સ બુકિંગ વધ્યું; જાણો વિગતે
રાહુલ ગાંધીએ આ સભામાં ‘હું હિંદુ છું પણ હિંદુત્વાદી નથી! હિંદુ સત્યાગ્રહી હોય છે. સત્તાગ્રહી નથી હોતો“ એવું કહીને મોદી સરકારને હિંદુત્વને મુદ્દે ઘેરવાની કોશિશ કરી હતી. આ હિંદુઓનો દેશ છે, હિંદુત્વવાદીઓનો નહીં. દેશમાં 2014થી હિંદુત્વવાદીઓની સત્તા છે પણ હવે હિંદુની સત્તા પાછી લાવવાની છે. હિંદુ અને હિંદુત્વાદીમાં ફરક છે. મહાત્મા ગાંધી હિંદુ હતા, નથુરામ ગોડસે હિંદુત્વવાદી. હિંદુત્વવાદીઓને સત્ય જોઈતું નથી પણ તેમને સત્તા જોઈતી હોય છે એવો સણસણતા શબ્દોમાં રાહુલ ગાંધીએ મોદી અને ભાજપ સરકાર પર શાબ્દિક હુમલો કર્યો હતો. દેશમાં હાલ સામાન્ય નાગરિક કરતા ઉદ્યોગપતિઓની મોદી સરકારને ચિંતા છે. દેશ અમુક ચારથી પાંચ ઉદ્યોગપતિઓ ચલાવી રહ્યા હોવાનો આરોપ પણ રાહુલ ગાંધીએ કર્યો હતો.