ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
રાજસ્થાનના જાલૌરમાં આજે બાડમેર હાઈવે પર સ્પેશિયલ ઍરસ્ટ્રિપની શરૂઆત કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને પરિવહનમંત્રી નીતિન ગડકરીએ ગંધવ-બાખાસર ખંડમાં નૅશનલ હાઈવે 925 પર બનેલા ઇમર્જન્સી લૅન્ડિંગ ફીલ્ડનું આજે ઉદ્ઘાટન કર્યું છે. ત્યાર બાદ ભારત-પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદ નજીક પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું અને હાઈવે પર ફાઇટર વિમાનોએ લૅન્ડિંગ કર્યું. પાકિસ્તાનની સરહદથી ફક્ત 40 કિમી દૂર ભારતીય વાયુસેનાના સુખોઈ અને જગુઆર જેવાં ફાઇટર વિમાનોએ પોતાનો દમ દેખાડ્યો. જુઓ વીડિયો..
વાયુસેના છેલ્લા કેટલાક સમયથી દેશના અલગ અલગ ભાગમાં નૅશનલ હાઈવે પર આ રીતે ઍરસ્ટ્રિપ બનાવવા પર ફોકસ કરી રહ્યું છે. આ પહેલો નૅશનલ હાઈવે છે, જ્યાં પર આવી રીતે ઍરસ્ટ્રિપ તૈયાર થયુ છે. આ પ્રોજેક્ટમાં ઇમર્જન્સી લૅન્ડિંગ સ્ટ્રિપ ઉપરાંત કુંદનપુરા, સિંઘાનિયા અને બાખાસર ગામમાં ઍરફોર્સની જરૂરિયાત મુજબ ત્રણ હેલિપેડનું નિર્માણ કરાયું છે. ઇએલએફનું નિર્માણ 19 મહિનાની અંદર પૂરું કરવામાં આવ્યું છે. એનું બાંધકામ જુલાઈ 2019માં શરૂ કરવામાં આવ્યું હતું અને જાન્યુઆરી 2021માં પૂર્ણ થયું હતું. આઇએએફ અને એનએચએઆઇની દેખરેખ હેઠળ જીએચવી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે એનું નિર્માણ કર્યું છે.
પાક સરહદ નજીક વાયુસેનાનું શક્તિ પ્રદર્શન, હાઈવે પર ફાઇટર વિમાનોનું જબરદસ્ત લૅન્ડિંગ; જુઓ વીડિયો..#IndianAirForce pic.twitter.com/zYJ5kg0cnn
— news continuous (@NewsContinuous) September 9, 2021