ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૭ જૂન, ૨૦૨૧
સોમવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં રસીકરણ અને કોરોનાની બીજી લહેરની સ્થિતિ વિષે વિગતવાર વાત કરી હતી. આ સંદર્ભે તેમણે દેશમાં ચાલી રહેલા નેઝલ રસીના ટ્રાયલ અને બાળકો પર ચાલી રહેલા રસીકરણ અભ્યાસની વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.
વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે “દેશમાં હાલ સાત કંપનીઓ વિવિધ રસીનું ઉત્પાદન કરી રહી છે. બે વેક્સિનનું ટ્રાયલ ઝડપથી બાળકો પર પણ થઈ રહ્યું છે. ઉપરાંત દેશમાં નેઝલ વેક્સિન ઉપર પણ ટ્રાયલ હાથ ધરાયું છે, જે નાકમાં સ્પ્રે કરી આપવામાં આવશે. જો આ ટ્રાયલ સફળ નીવડે તો રસીકરણ અભિયાનને વધુ વેગ મળશે.”
આટલા ઓછા સમયમાં વેક્સિન બનાવવીએ પૂરી માનવ જાત માટે ખૂબ મોટી સિદ્ધિ છે એમ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં ઉમેર્યું હતું. ઉપરાંત તેમણે કહ્યું હતું કે ભારતે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ગાઇડલાઇનનું પાલન કરી અને તબક્કાવાર વેક્સિન આપવાનું કામ કર્યું છે.