ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૫ જૂન ૨૦૨૧
મંગળવાર
કોરોના સામે ચાલી રહેલા યુદ્ધમાં ભારતના હાથ મજબૂત થતા દેખાઈ રહ્યા છે. દેશમાં ટૂંક સમયમાં હજી વધુ એક રસીનું આગમન થાય એવાં એંધાણ મળ્યાં છે. આ નવી રસીનું નામ નોવાવેક્સ છે. માનવામાં આવી રહ્યું છે કે નોવાવોક્સ અમેરિકા પહેલા ભારતમાં લૉન્ચ કરવામાં આવશે. ઉપરાંત સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા નોવાવેક્સના ઉત્પાદનમાં ભાગીદાર બનશે.
ભારતમાં એનું નામ 'કોવાવેક્સ' રાખવામાં આવશે. હાલમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ આ રસીનું 18 વર્ષથી વધુ ઉંમરના લોકો પર પરીક્ષણ કરી રહ્યું છે. એવી અપેક્ષા છે કે નોવાવેક્સ રસીને સૌપ્રથમ ભારતમાં ઇમર્જન્સી વપરાશની મંજૂરી મળશે. ભારત સરકારના અંદાજ મુજબ નોવાવેક્સના ૨૦ કરોડ ડોઝ સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધી મળી શકે છે.
નોવાવેક્સ રસીનો સંગ્રહ અને પરિવહન કરવું સરળ છે. કંપની સપ્ટેમ્બરના અંત સુધીમાં યુ.એસ., યુરોપ અને અન્ય જગ્યાએ રસીના ઉપયોગ માટે મંજૂરી લેવાની યોજના ધરાવે છે અને એ પછી તે મહિનામાં ૧૦ કરોડ ડોઝ તૈયાર કરી શકશે. ઉપરાંત નોવાવેક્સે દાવો કર્યો છે કે એની રસી COVID-19 સામે ખૂબ અસરકારક છે અને વાયરસના તમામ મ્યુટન્ટ સામે રક્ષણ પૂરું પાડે છે. કંપનીના આંકડા મુજબ આ રસી એકંદરે લગભગ 90 ટકા અસરકારક છે અને પ્રારંભિક ડેટા સૂચવે છે કે તે સલામત છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં હાલમાં ત્રણ રસી ઉપલબ્ધ છે. કોવિશીલ્ડ અને કોવેક્સિન અને ત્રીજી રશિયાની સ્પુટનિક-વી છે. જો આ નવી રસીના આગળના પ્રયોગ સફળ નીવડે અને ભારતમાં એને મંજૂરી મળે તો કોરોના સામે લડવામાં ભારતને વધુ શક્તિ મળશે.