ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 05 માર્ચ, 2022,
શનિવાર,
ભારતીય રેલવેના ઈતિહાસમાં આજનો દિવસ બહુ મહત્ત્વનો છે. બે ટ્રેન જો એકબીજા સાથે જોશભેર ભટકાઈને એક્સિડન્ટ થાય તો શું થાય તે વિચાર પણ અકલ્પનીય છે. જોકે આજે બે ટ્રેન એકબીજા સાથે ટકરાવાની છે. એક ટ્રેનમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ હશે, તો બીજી ટ્રેનમાં રેલવે બોર્ડના અધ્યક્ષ સહિત અન્ય અધિકારીઓ હશે.
તેલંગણાના સિકંદરાબાદમાં આજે બે ટ્રેનોની ટક્કર થવાની છે. બે ટ્રેનો પૂરપાટે દોડતી હશે અને બંને ટકરાશે.. જોકે હકીકતમાં આ ટક્કર રેલવેની એક્સિડન્ટ ટાળવા માટેની એક નવી ટેક્નોલોજીને અમલમાં મૂકવા પહેલાની ટેસ્ટના ભાગરૂપે છે. બે ટ્રેનો વચ્ચેના એક્સિડન્ટને ટાળવા માટે સ્વદેશી ટેક્નોલોજીનું આજે પરીક્ષણ થવાનું છે. તેના સાક્ષી બનવા માટે સિકંદરાબાદમાં સનથનગર-શંકરપલ્લી સેકશન પર એક ટ્રેનમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ હશે, તો બીજામાં રેલવે બોર્ડના અધ્યક્ષ સહિતના અધિકારીઓ હશે.
રેલવેના અધિકારીના કહેવા મુજબ ટ્રેનોની આ ટક્કર દ્રારા રેલવે પોતાની સ્વદેશી ટેકનોલોજી “કવચ“નું પરીક્ષણ કરવાની છે. આ એક એવી ટેક્નોલોજી છે, જેનાથી બે ટ્રેનો વચ્ચે ટક્કર થશે નહીં. રેલવેના દાવા મુજબ સમગ્ર વિશ્વમાં ભારતમાં આ સૌથી સસ્તી ટેક્નોલોજી છે.
આ કવચ રેલવેમાં ઝીરો ટ્રેન એક્સિડન્ટના લક્ષ્યને હાંસલ કરવા માટે વિકસાવવામાં આવ્યું છે. જે સ્વદેશી રીતે વિકસિત ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન (ATP) સિસ્ટમ છે. આ કવચ ટ્રેનને ઓટોમેટિક રોકવા માટે બનાવવામાં આવ્યું છે.
આ સિસ્ટમને એવી રીતે બનાવવામાં આવી છે જ્યારે ડિજિટલ સિસ્ટમ રેડ સિગ્નલ અથવા અન્ય કોઈ ખામી જેવી મેન્યુઅલ એરર શોધી કાઢે છે, ત્યારે આ ટેક્નોલોજી દ્વારા સંબંધિત રૂટ પરથી પસાર થતી ટ્રેન આપમેળે અટકી જાય છે.
રેલવેના કહેવા મુજબ આ ટેક્નોલોજી અમલમાં મૂક્યા બાદ તેના ઓપરેશન પાછળ પ્રતિ કિલોમીટર 50 લાખ રૂપિયાનો ખર્ચ થશે. અન્ય દેશની સરખામણીમાં તે ખૂબ જ ઓછું છે. દુનિયાના અનેક દેશોમાં આ ટેક્નોલોજી પાછળ બે કરોડ રૂપિયાની આસપાસ ખર્ચો થાય છે.
પૂર્વ આર્મી ચીફ જનરલ એસએફ રોડ્રિગ્સનું 88ની વયે નિધન, સેના પ્રમુખ એમએમ નરવણેએ વ્યક્ત કર્યું દુ:ખ
રેલવેના અધિકારીના કહેવા પ્રમાણે આ સિસ્ટમમાં જ્યારે ટ્રેન આવા સિગ્નલ પરથી પસાર થવાની હોય છે ત્યારે તે પસાર થવામાં દેવાતી નથી અને તેને સિસ્ટમ થકી જોખમી સંકેત મોકલવામાં આવે છે. આ દરમિયાન જો લોકો પાયલોટ ટ્રેનને રોકવામાં નિષ્ફળ જાય તો “કવચ“ ટેક્નોલોજીના માધ્યમથી ટ્રેનને બ્રેક ઓટોમેટિક લાગી જાય છે અને ટ્રેન દુર્ઘટના થી બચી જાય છે.
“કવચ“ ટેકનોલોજી હાઈ ફ્રીકવન્સી રેડિયો કમ્યુનિકેશન પર કામ કરે છે. તે સિસ્ટમ ઇન્ટીગ્રીટી લેવલ-ચારની પણ ચકાસણી કરે છે, જે રેલવે સુરક્ષા પ્રમાણપત્રનું સર્વોચ્ચ સ્તર કહેવાય છે.
અત્યાર સુધી દક્ષિણ મધ્ય રેલવે ચાલુ પ્રોજેક્ટમાં “કવચ“ને 1098 કિલોમીટરથી વધુના રૂટ પર 65 લોકોમોટિવ પર બેસાડવામાં આવી છે. આ ટેક્નોલોજીને દિલ્હી-મુંબઈ અને દિલ્હી-હાવડા કોરિડોર પર લાગુ કરવાની યોજના છે.