ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
દેશને માથે કોરોનાની ત્રીજી લહેરની તલવાર લટકે છે. આ લહેરનો ખતરો બાળકો પર વધુ હોવાનું કહેવાઈ રહ્યું છે. તેમનું રસીકરણ ક્યારે થશે તેની સહુને ચિંતા છે. આ ચિંતાનો અંત આવતા મહિને આવી જશે. ૧૨થી ૧૮ વર્ષની વયનાં બાળકોનું રસીકરણ શરૂ થશે.
કૅડિલા હેલ્થકૅર કંપની તેની ઝાયકોવ-ડી વેક્સિન બજારમાં ઉપલબ્ધ કરશે. આ રસીના ડોઝ શરૂઆતમાં ફક્ત ૧૨ વર્ષથી ઉપરનાં બાળકોને આપવામાં આવશે.
ઝાયકોવ-ડી વિશ્વની પ્રથમ ડીએનએ આધારિત કોરોનાની રસી છે. તેના ત્રણ ડોઝ અપાશે. પ્રથમ બે ડોઝ વચ્ચે ૨૮ દિવસ, બીજા અને ત્રીજા ડોઝ વચ્ચે ૫૬ દિવસનું અંતર રહેશે. બાળકોને સોઈ ન લગાડતાં ઇન્જેક્શન અપાશે.
ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા (ડીજીઆયએસ)એ ગત મહિને ઝાયકોવ-ડી રસીને ઇમર્જન્સી ઉપયોગમાં લેવા માટે મંજૂરી આપી હતી. ઑક્ટોબરથી દર મહિને કંપની રસીના એક કરોડ ડોઝનું ઉત્પાદન શરૂ કરશે.