News Continuous Bureau | Mumbai
દેશભરમાં ચકચાર મચાવનાર શ્રદ્ધા વાલકર મર્ડરમાં સનસનીખેજ ખુલાસા થવાની સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ હત્યાકેસમાં દિલ્હી પોલીસે ફાઇલ કરેલી ચાર્જશીટમાં અન્ય એક ચોંકાવનારી બાબતનો ખુલાસો થયો છે. ચાર્જશીટમાં પોલીસે કહ્યું કે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ ત્રણ મહિના પછી આફતાબે મૃતદેહની ઓળખ ન થઈ શકે એ માટે તેનો ચહેરો અને વાળ બ્લો ટૉર્ચથી બાળી નાખ્યા હતા અને એ પછી ધડને સગેવગે કર્યું હતું. આફતાબે આ વાત કબૂલી છે.
પોલીસની ચાર્જશીટ મુજબ, આફતાબે આરસ-કટીંગ મિક્સર ગ્રાઇન્ડર વડે શ્રદ્ધાના અનેક હાડકાંને પીસી નાખ્યા હતા અને પછી પાવડર બનાવીને ફેંકી દીધા હતા. તે જ સમયે, શ્રદ્ધાની હત્યાના 3 મહિના પછી, આરોપીએ તેના માથાનો ભાગ ફેંકી દીધો હતો. પોલીસે જણાવ્યું કે પૂછપરછ દરમિયાન આફતાબે શ્રદ્ધાની હત્યા પર અફસોસ વ્યક્ત કર્યો હતો. સાથે જ જણાવ્યું કે હત્યાનું કારણ નાની-નાની વાત પર ઝઘડો હતો. હત્યાના દિવસે 18 મે, 2022ના રોજ બંનેનો મુંબઈ જવાનો પ્લાન હતો, પરંતુ અચાનક આફતાબને ટિકિટ કેન્સલ થઈ ગઈ અને તે પછી બંને વચ્ચે ખર્ચને લઈને ઝઘડો થયો. તે પછી આફતાબ શ્રદ્ધાની ઉપર બેસી ગયો અને તેનું ગળું દબાવી દીધું.
શ્રદ્ધાની હત્યા કર્યા બાદ અફતાબે પહેલા લાશને મોટી કોથળીમાં નાખીને ફેંકી દેવાનો પ્લાન બનાવ્યો હતો. આ માટે તે એક મોટી બેગ પણ લાવ્યો હતો, પરંતુ પછી તેને લાગ્યું કે તે તેની સાથે પકડાઈ શકે છે. એટલા માટે તેણે મૃતદેહના અલગ-અલગ ટુકડા કરવાનો પ્લાન બનાવ્યો હતો. આફતાબે કહ્યું કે તેણે બોડીને બાથરુમમાં સંતાડી અને લાશના કટકા કરવા માટે હેમર, આરી અને ત્રણ બ્લેડ ખરીદી હતી. 19 મે ના રોજ છતરપુર પાસે એક દુકાનમાંથી ટ્રેશ બેગ, ચપ્પુ અને ચોપર ખરીદ્યું હતું. આ ચાકુથી તેના હાથ ઉપર પણ કટ લાગ્યા હતા. જેનો તેણે પડોશમાં જ ડોક્ટર પાસે સારવાર કરાવી હતી.
આ સમાચાર પણ વાંચો : હોળી પહેલા સરકારી કર્મચારીઓ મળશે મોટી ભેટ, મોંઘવારી ભથ્થું 4 ટકા વધી શકે છે..
પોલીસે 3000 પાનાની ચાર્જશીટ તૈયાર કરી છે
દિલ્હી પોલીસે આરોપી આફતાબ પૂનાવાલા વિરુદ્ધ 3000 પાનાની ચાર્જશીટ તૈયાર કરી છે. ડ્રાફ્ટ ચાર્જશીટમાં 100થી વધુ લોકોની જુબાની છે. તેમાં મહત્વપૂર્ણ ઇલેક્ટ્રોનિક અને ફોરેન્સિક પુરાવા છે, જે પોલીસ દ્વારા મહિનાઓની તપાસ દરમિયાન એકત્રિત કરવામાં આવ્યા છે. પોલીસે ચાર્જશીટમાં આફતાબની કબૂલાત, તેના નાર્કો ટેસ્ટના પરિણામો અને ફોરેન્સિક ટેસ્ટના રિપોર્ટ પણ ટાંક્યા છે. હાલમાં કાયદાકીય નિષ્ણાતો દ્વારા તેની સમીક્ષા કરવામાં આવી રહી છે.