દેશમાં કોરોનાના કેસમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે દેશમાં કોરોનાના કેસ 1800થી વધુ સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જારી આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 1805 લોકો કોરોના સંક્રમિત થયા છે અને 6 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 397 અને ગુજરાતમાં 303 કેસ નોંધાયા છે. બીજી તરફ, કેરળમાં 299, કર્ણાટકમાં 209 અને દિલ્હીમાં 153 કેસ નોંધાયા છે.
તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં, 932 દર્દીઓ આ વાયરસથી સ્વસ્થ થવામાં સફળ થયા છે. અત્યાર સુધીમાં 4,41,64,815 દર્દીઓ કોરોના વાયરસથી સાજા થયા છે. જોકે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 10,300 થઈ ગઈ છે. દૈનિક ચેપ દર 3.19 ટકા નોંધાયો છે. બીજી તરફ રસીકરણની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 1,743 ડોઝ આપવામાં આવ્યા છે.
ભારતના 14 રાજ્યોના 29 જિલ્લામાં કોરોના સંક્રમણનો દર 10 ટકાને પાર થઈ ગયો છે. સાથે જ 59 જિલ્લામાં કોરોનાનો સાપ્તાહિક ઇન્ફેકશન દર પાંચથી 10 ટકાની વચ્ચે છે. એવા ઘણા જિલ્લા છે જ્યાં છેલ્લા અઠવાડિયામાં 40 ટકાથી વધુ સેમ્પલ પોઝિટિવ મળ્યા છે. આ જ કારણના લીધે ICMR એ ઇન્ફેકશનના ફેલાવાને રોકવા માટે ભીડમાં માસ્ક ફરજિયાત કરવાની સલાહ આપી છે.
આ સમાચાર પણ વાંચો : રાહુલ ગાંધી અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે તાણ વધી. સાવરકર મુદ્દે બેઉ પાર્ટીના આકરા વલણ.
નોંધનિય છે કે દેશમાં અત્યાર સુધીમાં કોરોના સામે રસીના 220.65 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. કોરોનાની તપાસમાં પણ વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 56,551 લોકોની તપાસ કરવામાં આવી છે. તે જ સમયે, અત્યાર સુધીમાં કુલ 92.10 કરોડ લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. જો કે ફરી એકવાર કોરોનાના વધતા જતા કેસોએ સરકારની ચિંતા વધારી દીધી છે.