News Continuous Bureau | Mumbai
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ( PM Narendra Modi ) મુંબઈ મુલાકાત દરમિયાન સુરક્ષાનો ભંગ કરવાના પ્રયાસનો એક ચોંકાવનારો અહેવાલ પ્રકાશમાં આવ્યો છે. BKCમાં સભા પહેલા 35 વર્ષીય વ્યક્તિએ ( NSG personnel ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા સ્થળના આરક્ષિત VVIP રૂમમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જોકે PM મોદી ગુરુવારે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) પહોંચે તેના લગભગ 90 મિનિટ પહેલા, નવી મુંબઈના એક 35 વર્ષીય વ્યક્તિની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી.
આરોપીએ પોતાને આર્મીની “ગાર્ડ્સ રેજીમેન્ટ” ના સૈનિક હોવાનો દાવો કરીને ઉચ્ચ સુરક્ષાવાળા VVIP વિસ્તારમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીનું નામ રામેશ્વર મિશ્રા છે, જેને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ શંકાના આધારે રોક્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે ક્રાઈમ બ્રાન્ચે અડધો કલાક સુધી તેના પર નજર રાખી હતી. કારણ કે તે સુરક્ષિત ઝોન માં પ્રવેશતા પહેલા અહીં ત્યાં ફરી રહ્યો હતો.
એક અધિકારીએ જણાવ્યું કે, જ્યારે તેઓએ જોયું કે આરોપીએ 13 જાન્યુઆરીના રોજ જારી કરાયેલું એલિટ નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)નું આઈડી કાર્ડ પહેર્યું છે ત્યારે શંકા ઊભી થઈ હતી. તે દર્શાવે છે કે તે “રેન્જર” તરીકે પોસ્ટ કરવામાં આવ્યો હતો પરંતુ રિબન પર ‘દિલ્હી પોલીસ સુરક્ષા (પીએમ)’ લખેલું હતું.
આ સમાચાર પણ વાંચો: સુશાંત સિંહ રાજપૂત જન્મ જયંતિ: ‘કાઈ પો છે’ થી લઇ ને ‘દિલ બેચારા’ સુધી આ ફિલ્મમાં અભિનેતા એ આપ્યું હતું તેનું શ્રેષ્ઠ પ્રદર્શન
આરોપીએ દાવો કર્યો હતો કે તેઓ NSGના પઠાણકોટ હબમાં ડેપ્યુટેશન પર હતા, જેના પગલે મુંબઈ પોલીસે તપાસ કરવાનું નક્કી કર્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેનું આઈડી કાર્ડ નકલી છે. બાદમાં આરોપી પર આઈપીસીની કલમ 171, 465, 468 અને 471 હેઠળ કેસ નોંધવામાં આવ્યો. તે જ સમયે, આરોપીને શુક્રવારે બાંદ્રા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો જ્યાં કોર્ટે તેને 24 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો. હવે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.