News Continuous Bureau | Mumbai
Odisha Train Accident : કોરોમંડલ ટ્રેન અકસ્માત, ઓડિશાના બાલાસોરમાં દર્દનાક ટ્રેન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. દુર્ઘટના પછી, રવિવારે (4 જૂન) ઓડિશા પોલીસે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ આ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ ટ્રેન દુર્ઘટના વિશે કોઈપણ પ્રકારની ભ્રામક પોસ્ટ શેર કરવાનું ટાળે.
ઓડિશા પોલીસે કહ્યું કે, ખોટી અને ગેરમાર્ગે દોરનારી સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સમુદાયોને એકબીજા વિરુદ્ધ ઉશ્કેરવાનો પ્રયાસ કરનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
ઓડિશા પોલીસે એક નિવેદન બહાર પાડ્યું
ઓડિશા પોલીસે નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, “અમે તમામ લોકોને અપીલ કરીએ છીએ કે જેઓ અકસ્માત અંગે ખોટી સોશિયલ મીડિયા પોસ્ટ્સ શેર કરી રહ્યાં છે, તેઓ આમ કરવાથી દૂર રહે. ખોટી અફવાઓ ફેલાવીને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.” ટ્રેન અકસ્માતનું કારણ અને અન્ય તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
અશ્વિની વૈષ્ણવે આ અકસ્માતના કારણ વિશે જણાવ્યું હતું
બીજી તરફ, અકસ્માત અંગે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે અકસ્માતનું સાચું કારણ જાણી લેવામાં આવ્યું છે અને તેના માટે જવાબદાર દોષિતોની ઓળખ કરી લેવામાં આવી છે. બાલાસોર જિલ્લામાં દુર્ઘટના સ્થળે હાજર હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, “તે (અકસ્માત) ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ અને પોઈન્ટ મશીનમાં કરવામાં આવેલા ફેરફારને કારણે થયો હતો.”
આ સાથે અધિકારીઓએ કોરોમંડલ એક્સપ્રેસના ડ્રાઈવરને પણ ક્લીનચીટ આપી હતી અને કહ્યું હતું કે તેની પાસે આગળ વધવાની ગ્રીન સિગ્નલ હતું અને તે અનુમતિથી વધુ ઝડપે ટ્રેન ચલાવી રહ્યો ન હતો.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે (02 જૂન) બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ, શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ અને એક માલસામાન ટ્રેનને સાંકળતી આ ભયાનક દુર્ઘટના લગભગ સાંજે 7 વાગ્યે થઈ હતી, જેમાં ઓછામાં ઓછા 275 લોકોના મોત થયા હતા અને 1,100 થી વધુ લોકો ઘાયલ થયા હતા..
આ સમાચાર પણ વાંચો: Monsoon Update : ચોમાસું મોડું પડ્યું! કેરળ સહિત મહારાષ્ટ્રમાં 4 થી 5 દિવસ મોડો વરસાદ