ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 નવેમ્બર, 2021
ગુરુવાર
19 નવેમ્બરે એટલે કે આવતીકાલે આ વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ દિવસે કારતક માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિ પણ છે. આ ગ્રહણ ખંડગ્રાસ એટલે કે આંશિક ચંદ્રગ્રહણ હશે.
આ સદીનું સૌથી મોટું ચંદ્રગ્રહણ માનવામાં આવે છે કારણ કે આ પ્રકારનું ચંદ્રગ્રહણ 580 વર્ષ પછી થવાનું છે. આ પહેલા આટલું લાંબુ ચંદ્રગ્રહણ 18 ફેબ્રુઆરી 1440ના રોજ થયું હતું. ભારતીય સમય અનુસાર 19 નવેમ્બરે ચંદ્રગ્રહણ સવારે 11:32 થી શરૂ થશે અને સાંજે 05:33 વાગ્યે સમાપ્ત થશે.
જોકે ભારતમાં આ ચંદ્રગ્રહણ પડછાયા તરીકે જોવા મળશે. ભારતમાં આ ગ્રહણ માત્ર અરુણાચલ પ્રદેશ અને દેશના પૂર્વ સરહદી વિસ્તારોમાં જ દેખાશે. તદુપરાંત આ ચંદ્રગ્રહણ અમેરિકા, ઉત્તર યુરોપ, પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા અને પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં જોઈ શકાશે.
ભારતમાં આ ગ્રહણ અંત દરમિયાન આંશિક રીતે દેખાશે. આંશિક હોવાને કારણે આ ગ્રહણનો સૂતક માન્ય રહેશે નહીં, એટલે કે પૂજા સંબંધિત કોઈપણ પ્રકારના પ્રતિબંધો માન્ય રહેશે નહીં. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ચંદ્રગ્રહણ વૃષભ અને કૃતિકા નક્ષત્રમાં થશે. તેથી આ રાશિના લોકોએ ગ્રહણના સમયગાળા દરમિયાન સૌથી વધુ સાવચેત રહેવાની જરૂર છે.