ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૨ જુલાઈ, ૨૦૨૧
સોમવાર
અષાઢી બીજના શુભ અવસરે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પહેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના મંદિર પરિસરમાં રથ અને ભગવાનનું પૂજન-અર્ચન કર્યું હતું અને ત્યારબાદ પહિંદવિધી કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રી વિજય ભાઈએ દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજે પરંપરાગત રીતે યોજાતી રથયાત્રામાં ભગવાનના રથની અને રથ યાત્રાના મંદિરથી પ્રસ્થાન માર્ગની સોનાની સાવરણીથી રથના માર્ગની સફાઇ કરીને અને પાણી છાંટીને પહિંદ વિધિ સંપ્પન કરી હતી.
આ દરમિયાન મુખ્યમંત્રીએ અષાઢી બીજે કચ્છી નૂતન વર્ષ અવસરે કચ્છી સમાજના સૌ ભાઈ બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી. સાથે જ ભગવાન જગન્નાથના દર્શન કરીને દેશ અને ગુજરાત રાજ્ય કોરોના મહામારીમાંથી બહાર આવી કોરોના મુક્ત રાજ્ય બને તેવી પ્રાર્થના કરી છે.
આ ઉપરાંત તેમણે ભગવાન જગન્નાથ અને સુભદ્રાજી તથા બલભદ્રના રથ શહેરમાં નગરચર્યાએ નીકળ્યા છે પરંતુ નગરજનો ઘરે બેઠા દર્શનનો લાભ લે તેવી અપીલ પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી રૂપાણીએ આજે સતત પાંચમી વાર ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિંદવિધિ કરી હતી. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.