ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
પ્રખ્યાત ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવાર, 2 સપ્ટેમ્બરના અવસાન થયું. 40 વર્ષીય સિદ્ધાર્થનું હાર્ટ ઍટેકને કારણે મોત થયું હતું.સિદ્ધાર્થનો મૃતદેહ હાલમાં મુંબઈની કૂપર હૉસ્પિટલમાં છે, જ્યાં તેનું પૉસ્ટમૉર્ટમ ચાલી રહ્યું છે. અહેવાલ અનુસાર બુધવારે રાત્રે લગભગ 3.00 વાગ્યે સિદ્ધાર્થને છાતીમાં દુખાવો થયો, ત્યાર બાદ તેની માતાએ તેને પાણી પીવડાવ્યું. જોકે આ પછી સિદ્ધાર્થ ફરી ઊઠ્યો નહીં. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સિદ્ધાર્થ શુક્લાની તબિયત રાત્રીના ત્રણ વાગ્યાની આસપાસ અચાનક બગડી હતી. તેણે બેચેની અને છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. આ અંગે તેણે તેની માતાને જણાવ્યું હતું. સિદ્ધાર્થની માતાએ તેને પાણી આપ્યું અને થોડો આરામ કર્યા બાદ તે ફરી સૂઈ ગયો. જોકે એક વાર સૂઈ ગયા પછી સિદ્ધાર્થ શુક્લા ફરી ઊઠ્યો નહીં. સિદ્ધાર્થની માતાએ તેને સવારે ઘણો અવાજ આપ્યો પણ તેની બાજુથી કોઈ હલચલ ન થઈ.
તેના પર તેની માતાએ તેની બંને પુત્રીઓ અને ડૉક્ટરને બોલાવ્યાં. ત્યાર બાદ સિદ્ધાર્થને કૂપર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. મુંબઈ પોલીસનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર તેના મૃત શરીર પર કોઈ પણ પ્રકારની ઈજાનાં કોઈ નિશાન નથી. પોલીસનું કહેવું છે કે સિદ્ધાર્થના પૉસ્ટમૉર્ટમ રિપૉર્ટની રાહ જોવાઈ રહી છે. આ સિવાય તેની સાથે રહેતા લોકોનાં નિવેદનો પણ લેવામાં આવશે. સિદ્ધાર્થના પરિવારનું કહેવું છે કે તેના મૃત્યુમાં કોઈ ષડ્યંત્ર નથી. તે નથી ઇચ્છતા કે તેના મૃત્યુ અંગે કોઈ પણ પ્રકારની અફવા ફેલાય.
શું ઇમરાન હાશ્મી ‘ટાઇગર 3’માં જોવા મળશે? અભિનેતાની આ પોસ્ટ જોઈને ચાહકો ચોંકી ગયા
હાલમાં સિદ્ધાર્થના પરિવારના સભ્યો કૂપર હૉસ્પિટલમાં પૉસ્ટમૉર્ટમ રિપૉર્ટની રાહ જોઈ રહ્યા છે. તેના અંતિમસંસ્કાર આજે થશે કે કાલે થશે એ અંગે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.