ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑક્ટોબર, 2021
બુધવાર
રામાનંદ સાગરની ‘રામાયણ’માં રાવણની ભૂમિકા ભજવવા સાથે પ્રખ્યાત થયેલા અરવિંદ ત્રિવેદીનું નિધન થયું છે. 82 વર્ષીય અરવિંદ ત્રિવેદી લાંબા સમયથી બીમાર હતા અને હાર્ટ ઍટૅકને કારણે તેમનું નિધન થયું હતું. તેમના ચાહકો તેમને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
અરવિંદભાઈ મૂળ મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરના વતની છે. અરવિંદ ત્રિવેદીના મોટા ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર હતા. પોતાના ભાઈને જોઈને અરવિંદ ત્રિવેદીએ અભિનય કરવાનું વિચાર્યું. રાવણની ભૂમિકા તેમને સફળતાની એવી ઊંચાઈઓ પર લઈ ગઈ કે લોકો તેમને વાસ્તવિક જીવનમાં રાવણ માનવા લાગ્યા. એક મુલાકાતમાં અરવિંદ ત્રિવેદીએ કહ્યું હતું : હું ‘કેવટ’ની ભૂમિકા માટે ઓડિશન આપવા ગયો હતો, પરંતુ રામાનંદ સાગરે મને રાવણ માટે પસંદ કર્યો.
તેમણે કહ્યું હતું : દરેકને ઓડિશન આપ્યા બાદ મને બોલાવવામાં આવ્યો હતો. તેમણે મને સ્ક્રિપ્ટ આપી. જ્યારે મેં સ્ક્રિપ્ટ વાંચી ત્યારે સાગરસાહેબે બૂમ પાડી અને કહ્યું, મને મારો લંકેશ મળી ગયો છે.
તમને જાણીને નવાઈ લાગશે કે અરવિંદ ત્રિવેદી કેવટની ભૂમિકા માટે રામાનંદ સાગર પાસે ગયા હતા. અરવિંદ ત્રિવેદીએ કહ્યું હતું કે આ સિરિયલ પછી હું લોકો માટે અરવિંદ ત્રિવેદી નહીં, લંકાપતિ રાવણ બની ગયો હતો. લોકો મારાં બાળકોને રાવણનાં બાળકો અને મારી પત્નીને મંદોદરી કહેવા લાગ્યા. જે દિવસે સિરિયલમાં રાવણનો વધ થયો હતો એ દિવસે મારા વિસ્તારના લોકોએ શોક વ્યક્ત કર્યો હતો.
સુનીતા સાથે લગ્ન કર્યા બાદ પણ ગોવિંદાએ એને ગુપ્ત રાખ્યાં, આપ્યું આ કારણ; જાણો વિગત
અરવિંદ ત્રિવેદીએ લગભગ 300 ફિલ્મોમાં કામ કર્યું છે. ગુજરાતી ભાષાની ધાર્મિક અને સામાજિક ફિલ્મો દ્વારા તેમને ગુજરાતી પ્રેક્ષકોમાં ઓળખ મળી. 1991માં, તેમણે ભાજપની ટિકિટ પર ગુજરાતની સાબરકાંઠા બેઠક પરથી ચૂંટણી લડી અને સાંસદ બન્યા.