ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઑગસ્ટ, 2021
બુધવાર
બૉલિવુડ અભિનેતા અક્ષયકુમારની ફિલ્મ ‘બેલ બૉટમ’ની દર્શકો ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ‘બેલ બૉટમ’નું ટ્રેલર મંગળવારે સાંજે રિલીઝ થઈ ગયું છે. અક્ષયકુમારની મુખ્ય ભૂમિકાવાળી આ ફિલ્મ એક વિમાન અપહરણની સાચી ઘટના પર પ્રેરિત છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર એક અન્ડરકવર અધિકારી છે. ભારત સરકાર દ્વારા ચાર અપહરણકારોથી 240 યાત્રીઓને બચાવવા માટે નિયુક્ત કરવામાં આવ્યો છે. જ્યાં ટ્રેલરમાં જોવા મળેલાં દૃશ્યો, સંગીત અને શૉટ્સની ખૂબ પ્રશંસા થઈ રહી છે. જ્યારે લારા દત્તાએ લોકોને ચોંકાવી દીધા છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં લારા દત્તાએ વડાં પ્રધાન ઇંદિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. આ ભૂમિકા ભજવવા માટે લારાએ ખૂબ મહેનત કરી છે.
આ ફિલ્મમાં વાણી કપૂર, હુમા કુરેશી અને લારા દત્તા પ્રમુખ ભૂમિકામાં છે. લારા દત્તા ટ્રેલરમાં બિલકુલ જ ઓળખાતી નથી. એનું કારણ એવું છે કે લારાએ આ ફિલ્મ માટે પ્રોસ્થેટિક્સ મેકઅપનો આશરો લીધો છે. ટ્રેલર રિલીઝની થોડીક મિનિટો પછી નેટિજન્સે સોશિયલ મીડિયા પર લારા દત્તાના મેકઅપ આર્ટિસ્ટનાં ખૂબ વખાણ કર્યાં છે. પહેલાં તો લોકો લારાને ઓળખી જ ન શક્યા કે લારા દત્તા છે, પરંતુ નેટિજન્સ હેરાન થઈ ગયા, જ્યારે તેમને ખબર પડી કે આ બીજું કોઈ નહીં પરંતુ લારા દત્તા છે.