ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 ઑગસ્ટ, 2021
મંગળવાર
દીપિકા પાદુકોણે બૉલિવુડમાં પ્રભુત્વ જમાવ્યું છે. ફરી એક વાર તે હૉલિવુડ તરફ પોતાનું ધ્યાન ફેરવી રહી છે. લગભગ સાડાચાર વર્ષ પહેલાં તેણે વિન ડીઝલની સામે xXx: Return of Xander Cage ફિલ્મથી હૉલિવુડમાં પ્રવેશ કર્યો હતો. હવે દીપિકાએ પોતાની આગામી હૉલિવુડ ફિલ્મની જાહેરાત કરી છે. તેણે STX ફિલ્મ્સ માટે રોમૅન્ટિક-કૉમેડી સાઇન કરી છે. દીપિકા આ ફિલ્મની સહનિર્માતા પણ હશે. તેમની આગામી ફિલ્મ 'કા પ્રોડક્શન'ના બૅનર હેઠળ બનાવવામાં આવશે.
ફિલ્મ અંગે દીપિકાએ કહ્યું કે પ્રોડક્શનનો ઉદ્દેશ વૈશ્વિક સ્તરે સારી સામગ્રીને પ્રોત્સાહન આપવાનો છે. હું 'કા પ્રોડક્શન'ની મહત્ત્વાકાંક્ષાઓ અને સર્જનાત્મકતાને શૅર કરવા માટે STX ફિલ્મ્સ અને ટેમ્પલ હિલ પ્રોડક્શન્સ સાથે ભાગીદારી કરીને રોમાંચિત છું. STX ફિલ્મ્સ મોશન પિક્ચર ગ્રુપના ચૅરમૅન એડમ ફોગેલસને કહ્યું, “દીપિકા ભારતની સૌથી મોટી વૈશ્વિક સ્ટાર્સમાંની એક છે. અદ્ભુત વ્યક્તિત્વ ધરાવવાની સાથે તે અત્યંત પ્રતિભાશાળી છે. આંતરરાષ્ટ્રીય સુપરસ્ટાર તરીકે તેનો પ્રોફાઇલ સતત વધી રહ્યો છે. ઈરોસ ઇન્ટરનૅશનલની ઘણી ફિલ્મોમાં તેને અભૂતપૂર્વ સફળતા મળી છે. અમે તેની સાથે રોમૅન્ટિક-કૉમેડી કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.”
2018માં ‘ટાઇમ’ મૅગેઝિન દ્વારા દીપિકા પાદુકોણને વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન આપવામાં આવ્યું હતું. 2018 અને 2021માં તે વેરાઇટીના આંતરરાષ્ટ્રીય મહિલા પ્રભાવ અહેવાલમાં દર્શાવવામાં આવી હતી. દીપિકાએ વર્ષ 2020માં ફિલ્મ 'છપાક' સાથે નિર્માતા તરીકે ઉદ્યોગમાં પગ મૂક્યો હતો. આ સિવાય તે હૉલિવુડ ફિલ્મ 'ધ ઇન્ટર્ન'ની ઑફિશિયલ રીમેક પણ બનાવી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે અમિતાભ બચ્ચન છે. આ સિવાય દીપિકા '83', 'ફાઇટર', 'પ્રોજેક્ટ કે' અને શકુન બત્રાની ફિલ્મમાં જોવા મળશે.