ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ઑક્ટોબર, 2021
શનિવાર
પોતાના કુદરતી અભિનય માટે જાણીતો બૉલિવુડ અભિનેતા સંજય મિશ્રાએ ઘણી ફિલ્મોમાં પોતાની છાપ છોડી છે. તેને બૉલિવુડમાં પહેલો બ્રેક 'ઓહ ડાર્લિંગ યે હૈ ઇન્ડિયા' સાથે મળ્યો. આ પછી તે ‘રાજકુમાર’, ‘સત્યા’ જેવી ફિલ્મોમાં નાના રોલ કરતો હતો, પણ ફિલ્મ ‘આંખોદેખી’માં સંજય મિશ્રાના અભિનયની પ્રથમ વખત નોંધ લેવાઈ હતી. આ ફિલ્મ માટે તેને શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર ક્રિટિક્સ ઍવૉર્ડ એનાયત થયો હતો, પરંતુ થોડા લોકો જાણે છે કે બૉલિવુડમાં નામ કમાવા છતાં સંજયે અચાનક ફિલ્મોથી અંતર બનાવી લીધું. તેણે બધું છોડીને હૃષીકેશ, ઉત્તરાખંડમાં એક ઢાબા પર કામ કરવાનું શરૂ કર્યું. ચાલો જાણીએ કે સંજય મિશ્રાએ ફિલ્મો છોડી શા માટે ઢાબામાં કામ કરવાનું શરૂ કર્યું.
સંજય મિશ્રાને બૉલિવુડમાં સતત કામ મળતું હતું, પરંતુ એક દિવસ અચાનક તેણે બધું જ છોડી દીધું અને ઉત્તરાખંડના હૃષીકેશમાં એક ઢાબામાં કામ કરવાનું શરૂ કર્યું. અહીં તેણે ચા બનાવવાનું અને વાસણો સાફ કરવાનું શરૂ કર્યું. સંજય મિશ્રાના પિતાના મૃત્યુ બાદ સંજય આ આઘાત સહન કરી શક્યો નહીં અને હૃષીકેશ જવાનો નિર્ણય કર્યો. તે વૈરાગી બની ગયો. તેને કોઈ બાબતમાં રસ નહોતો, પરંતુ પાપી પેટને માટે તેણે નાની જગ્યાએ કામ કર્યું. એક દિવસ હૃષીકેશમાં રોકાણ દરમિયાન, સંજય મિશ્રાને પ્રખ્યાત દિગ્દર્શક રોહિત શેટ્ટીનો ફોન આવ્યો અને તે સંજયને સમજાવીને મુંબઈ પરત લાવ્યા. સંજય રોહિત શેટ્ટીની વિનંતી ટાળી શક્યો નહીં અને મુંબઈ પાછો ફર્યો. એ બાદ તેણે એક એકથી ચડિયાતી ફિલ્મો આપી.
લગ્ને લગ્ને કુંવારી બૉલિવુડની આ ફિલ્મી હસ્તીઓ, જેમના બેથી વધુ વખત છૂટાછેડા થઈ ચૂક્યા છે
સંજય મિશ્રાના પિતા શંભુનાથ મિશ્રા પત્રકાર હતા અને દાદા IAS અધિકારી હતા. ઘરમાં હંમેશાં વાંચન અને લેખનનું વાતાવરણ રહેતું. દરમિયાન સંજય મિશ્રાએ નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાંથી અભિનયનો અભ્યાસક્રમ કર્યો અને ફિલ્મોમાં અભિનય કરવા મુંબઈ આવ્યો.