ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ઑક્ટોબર, 2021
ગુરુવાર
બહુમુખી પ્રતિભા ધરાવતા કિશોરકુમાર સારા અવાજમાં પણ એટલા જ નિપુણ હતા જેટલી તેમણે અભિનયમાં નિપુણતા મેળવી હતી. બૉલિવુડમાં બહુ ઓછી હસ્તીઓ હશે જેમણે દરેક ક્ષેત્રમાં નિપુણતા મેળવી હોય. કિશોરકુમાર માત્ર એક મહાન અભિનેતા જ નહીં, પણ એક મહાન ગાયક પણ હતા. આ ઉપરાંત કિશોરકુમારે નિર્માતા-દિગ્દર્શક, ગીતકાર અને પટકથાકાર તરીકે પણ ભૂમિકા ભજવી હતી. કિશોરકુમારનો જન્મ 4 ઑગસ્ટ, 1929ના મધ્ય પ્રદેશના ખંડવામાં થયો હતો. બૉલિવુડમાં ઘણા ગાયકો આવ્યા અને ગયા, પણ કિશોરકુમારના અવાજનો જાદુ આજે પણ અકબંધ છે.
કિશોરકુમારનું સાચું નામ આભાસકુમાર ગાંગુલી હતું. શ્રીમંત પરિવારમાં જન્મેલા કિશોરકુમારે બાળપણથી જ એક જ સપનું જોયું હતું. કિશોર તેના મોટા ભાઈ અશોકકુમાર કરતાં વધુ પૈસા કમાવા માગતા હતા. તેમના પ્રિય ગાયક કે. એલ. સેહગલ હતા. કિશોર હંમેશાં તેમના જેવા બનવા માગતા હતા. કિશોર ચાર ભાઈ -બહેનોમાં સૌથી નાનો હતો. અશોકકુમાર, સતીદેવી, અનુપકુમાર. 13 ઑક્ટોબર, 1987ના રોજ તેમનું અવસાન થયું.
કિશોરકુમાર 70 અને 80ના દાયકામાં સૌથી મોંઘા ગાયક હતા. તેમણે એ સમયના તમામ મોટા કલાકારોને પોતાનો અવાજ આપ્યો. તેમનો અવાજ ખાસ કરીને રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનને ખૂબ પસંદ આવ્યો. રાજેશ ખન્નાને સુપરસ્ટાર બનાવવામાં કિશોરનો મોટો ફાળો માનવામાં આવે છે.
કિશોરકુમારે ચાર લગ્ન કર્યાં હતાં. કિશોરકુમારની પ્રથમ પત્ની રૂમા ગુહા ઠાકુરતા હતી, પરંતુ લગ્નનાં 8 વર્ષ બાદ તેમણે પોતાની પ્રથમ પત્નીને છૂટાછેડા આપી દીધા. આ પછી તેમણે 1960માં મધુબાલા સાથે લગ્ન કર્યાં. જોકે ગંભીર બીમાર પડ્યા બાદ મધુબાલાનું 35 વર્ષની વયે અવસાન થયું. મધુબાલાના મૃત્યુ પછી યોગિતા બાલી કિશોરકુમારના જીવનમાં આવી અને બંનેએ લગ્ન કરી લીધાં, પરંતુ માત્ર બે વર્ષ પછી યોગિતા સાથેના તેમના સંબંધો પણ તૂટી ગયા. આ પછી કિશોરકુમારે વર્ષ 1980માં પોતાનાથી 20 વર્ષ નાની લીના સાથે લગ્ન કર્યાં.
અમિતાભ બચ્ચન સિવાય આ પ્રખ્યાત અભિનેતા પણ કરી ચૂક્યા છે પાન મસાલાની એડ; થયો હતો હંગામો ; જાણો વિગત
એવું કહેવાય છે કે મૃત્યુ પહેલાં તેમને ખ્યાલ આવી ગયો હતો કે તે જલદી જ દુનિયાને અલવિદા કહેવાના છે. કિશોરકુમારના પુત્ર અમિતકુમારે એક મુલાકાતમાં કહ્યું હતું કે, 'એ દિવસે તેમણે સુમિત (અમિતના સાવકા ભાઈ)ને સ્વિમિંગ માટે જતા અટકાવ્યો હતો અને તે આ બાબતે ખૂબ ચિંતિત પણ હતા કે કૅનેડાથી મારી ફ્લાઇટ સમયસર ઊતરશે કે નહીં. પહેલેથી જ હાર્ટ ઍટૅકનાં કેટલાંક લક્ષણો તેઓ અનુભવી રહ્યા હતા, પરંતુ એક દિવસ તેમણે મજાક કરી કે જો આપણે ડૉક્ટરને બોલાવીશું તો તેને ખરેખર હાર્ટ ઍટૅક આવશે. અને બીજી જ ક્ષણે તેમને ખરેખર હુમલો આવ્યો. મૃત્યુ બાદ કિશોરકુમારના ખંડવામાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.