ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઑક્ટોબર, 2021
બુધવાર
બૉલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ આગામી વર્ષની શરૂઆતમાં પોતાની નવી ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' સાથે દર્શકો સામે આવશે. આ ફિલ્મનું નિર્દેશન સંજય લીલા ભણસાલીએ કર્યું છે, જે આ યુગના સૌથી તેજસ્વી નિર્દેશકોમાંના એક છે. 'ગંગુબાઈ કાઠિયાવાડી' સંજય લીલા ભણસાલીનો વર્ષોથી અટકેલો પ્રોજેક્ટ હતો, જેને તેઓ પ્રિયંકા ચોપરા સાથે બનાવવા માગતા હતા. ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'માં આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે, જેને જોવા પ્રેક્ષકો ખૂબ ઉત્સાહિત છે. દર્શકો તેને અલગ અવતારમાં જોવા માટે બેચેન છે. ફિલ્મના પોસ્ટરોએ દર્શકોની જિજ્ઞાસા વધારી છે.
તાજેતરના અહેવાલ અનુસાર, રણબીર કપૂરે 'ગંગુબાઈ કાઠિયાવાડી' જોઈ છે અને તે આલિયા ભટ્ટના અભિનયથી ખૂબ પ્રભાવિત છે. રણબીર આજકાલ જેને પણ મળી રહ્યો છે તેની સામે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની પ્રશંસા કરી રહ્યો છે. રણબીર કપૂરના જણાવ્યા મુજબ નિર્દેશક સંજય લીલા ભણસાલીએ આલિયા ભટ્ટને સંપૂર્ણપણે અલગ અવતારમાં રજૂ કરી છે. આલિયાએ તેના પાત્રને પડદા પર એવી રીતે જીવંત કર્યું છે કે દર્શકો ચોંકી જાય. રણબીર કપૂરને પણ લાગે છે કે આલિયા ભટ્ટને 'ગંગુબાઈ કાઠિયાવાડી' માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળશે.
જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો અજય દેવગણ આલિયા ભટ્ટ અભિનીત ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'માં ખાસ કેમિયો કરશે. સંજય લીલા ભણસાલીના સારા મિત્ર અજય દેવગણ 'ગંગુબાઈ કાઠિયાવાડી'માં ગૅન્ગસ્ટરનો રોલ કરે છે, જે ઈમાનદાર છે. આલિયા ભટ્ટ અને અજય દેવગણની આ એકસાથે બીજી ફિલ્મ હશે. 'ગંગુબાઈ કાઠિયાવાડી' ઉપરાંત બંને કલાકારો એસ. એસ. રાજામૌલીની 'ટ્રિપલ આર' (RRR)માં પણ સાથે જોવા મળશે. 'ટ્રિપલ આર' પણ આવતા વર્ષની શરૂઆતમાં થિયેટરોમાં આવશે. 'ટ્રિપલ આર'માં અજય દેવગણનો ખાસ કેમિયો છે, જેના માટે તેણે શૂટિંગ પૂર્ણ કર્યું છે.