ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑગસ્ટ, 2021
શુક્રવાર
હાલમાં સ્ટાર પ્લસના શો ‘અનુપમા’માં હાઈ વૉલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. આ સમયે અનુપમાના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ છે. ક્યારેક ઘરવેરા માટે મોટી રકમની જરૂર પડે છે તો ક્યારેક છેતરપિંડી થાય છે. દરમિયાન હવે શોમાં નવી એન્ટ્રી થવા જઈ રહી છે. અનુપમાના કૉલેજનો મિત્ર અનુજ કાપડિયા શોમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે, જે ખૂબ મોટો ઉદ્યોગપતિ છે. આ રોલ માટે રોનિત રોય, રામ કપૂર, અરશદ વારસી જેવા ઘણાં નામ જાહેર થયાં હતાં, પરંતુ હાલના અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો કોઈ અન્ય વ્યક્તિ આ પાત્ર ભજવશે. ગૌરવના આગમનને કારણે અનુપમાની તકલીફો ઓછી થશે કે વધશે એ થોડા સમય પછી જ ખબર પડશે.
એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ ગૌરવ ખન્ના શોમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. એ અનુજ કાપડિયાના રોલમાં જોવા મળશે. ગૌરવ લાંબા સમયથી આ રોલ માટે તૈયારી કરી રહ્યો હતો અને હવે તે મેકર્સ સાથે પોતાનો લુક ફાઇનલ કરી રહ્યો છે. ગૌરવ ટૂંક સમયમાં શોનું શૂટિંગ શરૂ કરશે. ગૌરવનો ટ્રૅક આવતા સપ્તાહથી શરૂ થશે. ‘અનુપમા’નો ભાગ બનીને તે ખૂબ જ ખુશ છે.
‘અનુપમા’નો નવો પ્રોમો સામે આવ્યો છે, જેમાં નવા પાત્રની એન્ટ્રી કહેવામાં આવી રહી છે. બાપુજી અખબાર વાંચે છે અને કહે છે કે અનુજ કાપડિયા નામનો વેપારી તેમના શહેરમાં પાછો આવી રહ્યો છે. તે આ વાંચીને ખુશ છે અને કહે છે કે તે તેને મળવા માગે છે. ગૌરવ સિરિયલ ‘યે પ્યાર ના હોગા કમ’માં અબીર બાજપેયીની ભૂમિકા માટે જાણીતો છે. આ શોમાં તે યામી ગૌતમની સામે જોવા મળ્યો હતો. આ સિવાય તેણે ‘લાલ ઇશ્ક’, ‘ચંદ્ર નંદિની’, ‘ચંદ્રગુપ્ત મૌર્ય’ જેવી ઘણી સિરિયલોમાં કામ કર્યું છે.