ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
90ના દાયકામાં બૉલિવુડના ટોચના સ્ટાર્સમાંના એક એવા ગોવિંદા એક સમયે અભિનેત્રી નીલમ કોઠારીનો દીવાનો હતો. ગોવિંદા, જેને પ્રેમથી 'ચીચી' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેણે નીલમ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ જોડીને દર્શકોએ ખૂબ પસંદ પણ કરી હતી. મીડિયા રિપૉર્ટ્સ અનુસાર, ગોવિંદાએ પ્રથમ વાર નીલમ કોઠારીને ફિલ્મનિર્માતા પન્નાલાલ મહેરાની ઑફિસમાં જોઈ હતી. એવું કહેવાય છે કે ગોવિંદાને પ્રથમ નજરે જ નીલમ સાથે પ્રેમ થઈ ગયો હતો.તમને જણાવી દઈએ કે આ દરમિયાન સુનીતા પણ ગોવિંદાના જીવનમાં આવી હતી. સુનીતા અને ગોવિંદાની સગાઈ થઈ હતી. જોકે નીલમ ગોવિંદાના દિલ અને દિમાગ પર છવાયેલી હતી. કહેવાય છે કે નીલમને લઈને સુનીતા અને ગોવિંદા વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.
સમાચાર અનુસાર ગોવિંદાએ સુનીતા સાથેની સગાઈ તોડીને નીલમ સાથે લગ્ન કરવાનો નિર્ણય પણ લીધો હતો. જોકે ત્યાર બાદ ગોવિંદાની માતા નિર્મલાદેવીએ અભિનેતાને આમ કરતાં રોક્યો. કહેવાય છે કે ગોવિંદાની માતા ઇચ્છતી હતી કે તે સુનીતા સાથે લગ્નનું વચન પૂરું કરે. ગોવિંદા તેની માની વાત કદી ટાળતો નહોતો અને તેમનું ઘણું સન્માન કરતો હતો. બાદમાં માતા ખાતર, ગોવિંદાએ નીલમ સાથે સંબંધ તોડી નાખ્યો અને સુનીતા સાથે લગ્ન કર્યાં.
નીલમે યુકેના ઉદ્યોગપતિ ઋષિ સેઠિયા સાથે લગ્ન કર્યાં હતાં, પરંતુ ટૂંક સમયમાં જ તેના છૂટાછેડા થઈ ગયા. આ પછી નીલમે અભિનેતા સમીર સોની સાથે બીજા લગ્ન કર્યાં. લગ્નના બે વર્ષ બાદ બંનેએ આહાના નામની પુત્રીને દત્તક લીધી હતી.