ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022
શુક્રવાર
શેમારૂમી એ ગુજરાતી મનોરંજન માટે નવું કન્ટેન્ટ ધરાવતું પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ પર દર અઠવાડિયે એક નવી મૂવી, વેબસિરીઝ કે નાટક રિલીઝ થાય છે. 500થી વધુ ગુજરાતી નાટકો, ફિલ્મો, વેબસિરીઝ ધરાવતું આ વિશ્વનું એકમાત્ર પ્લેટફોર્મ છે. વિશ્વના કોઈ પણ ખૂણેથી તમે પોતાની ભાષાનું મનોરંજન શેમારૂમી પર માણી શકો છો.હવે શેમારૂમી આવી જ વધુ એક ગુજરાતી ફિલ્મ ‘21મું ટિફિન’ લઇ ને આવી રહી છે. જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતી સિનેમાની નવી ઓળખ બનાવી, જુદા જુદા 5 આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં આપણી માતૃભાષાનો ડંકો વગાડ્યો છે. આ ફિલ્મે ગુજરાતી સિનેમાને એક નવા સ્તરે પહોંચાડ્યું છે. જેને હવે તમે ઘરે બેઠા માણી શકશો. આ ફિલ્મનો 3 માર્ચે શેમારૂમી પર ડિજિટલ પ્રીમિયર યોજાવા જઈ રહ્યો છે.
‘21મું ટિફિન’ એક સુંદર પારિવારિક ફિલ્મ છે. જેમાં એક એવી ગૃહિણીની વાત દર્શાવવામાં આવી છે, જેનું જીવન એક રૂટિન બની ચૂક્યુ છે. તેને ન પતિનો પ્રેમ મળી રહ્યો છે, ન પુત્રી પાસેથી સન્માન મળી રહ્યું છે. એટલે પોતાની જાતને ખુશ રાખવા તે પોતાને સૌથી ગમતી ક્રિયા એટલે કે ટિફિન બનાવે છે. આ દરમિયાન તેના જીવનમાં સર્જાયેલો ખાલીપો એક યુવાન પૂરે છે. અઢળક ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થનાર આ ફિલ્મ આપણી આસપાસ રહેતી દરેક ગૃહિણીની વાત છે. નેશનલ એવોર્ડ વિજેતા લેખક રામ મોરીની ટૂંકી વાર્તા પરથી બનેલી ફિલ્મ ‘21મું ટિફિન’અગાઉ ડબલ્યુઆરપીએન વિમેન્સ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આઉટસ્ટેન્ડિંગ એક્સેલન્સ કેટેગરીમાં વિજેતા થઈ છે. આ ઉપરાંત ટોરેન્ટો ઈન્ટરનેશનલ વિમેન ફિલ્મમાં પસંદગી પામી અને સફળતાપૂર્વક સ્ક્રિનીંગ પણ થયું છે. આ ઉપરાંત ફિલ્મ ચેન્નાઈ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ઓફશિયલી સિલેક્ટ થઈ, સાથે જ અહીં દેશવિદેશના દર્શકોએ ફિલ્મ વખાણી હતી. તો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)માં ગત વર્ષે પસંદગી પામેલી આ એક માત્ર ગુજરાતી ફિલ્મ છે.
આ ફિલ્મમાં નીલમ પંચાલની સાથે રોનક કામદાર અને નેત્રી ત્રિવેદી જોવા મળશે. આ ફિલ્મ અંગે નીલમ પંચાલનું કહેવું છે કે,’મને આ ફિલ્મ કરવાની ખૂબ જ મજા એટલે પડી કે અત્યાર સુધી આ વિષય આટલી સહજ રીતે કોઈએ દર્શાવ્યો નથી. આ કોઈ આર્ટ ફિલ્મ નથી, પરંતુ તમારી અને મારી વાત છે. ’તો એક્ટર રોનક કામદારનું કહેવું છે કે,’આ ફિલ્મ કરતી વખતે મને એ વધારે નજીકથી સમજાયું કે એક સ્ત્રીનું જીવન માત્ર તેના બાળકો, પતિ કે રસોડું નથી. અને મને ખાતરી છે કે ફિલ્મ જોયા પછી દરેક પુરુષ, કે દરેક બાળકના જીવનમાં ભલે નાનું તો નાનું પણ પોતાની મમ્મી, બહેન, દાદી તરફ જોવાનુ વલણ બદલાશે.’ નેત્રી ત્રિવેદી પણ કહે છે કે,’આ ફિલ્મ કરવાની અમને ખૂબ જ મજા પડી. થિયેટરમાં એને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે. અને શેમારૂમીના દર્શકો પણ તેને અપનાવી લેશે એવી આશા છે.’