ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 સપ્ટેમ્બર, 2021
શનિવાર
પ્રખ્યાત ટીવી અભિનેત્રી હિના ખાન ટેલિવિઝનની સૌથી પ્રિય અભિનેત્રીઓમાંની એક છે. તેણે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અક્ષરા તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે એ શો સાથે 8 વર્ષની લાંબી મુસાફરી કરી હતી. આ પછી તે ‘ખતરોં કે ખિલાડી’ અને ‘બિગ બૉસ’ જેવા રિયાલિટી શોમાં જોવા મળી. તે બંને શોમાં રનર અપ રહી હતી અને તેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. હવે નવીનતમ સમાચાર અનુસાર તે ટૂંક સમયમાં જ સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે.
હિના ખાને પડદા પર તેના દરેક પાત્રથી ચાહકોને પ્રભાવિત કર્યા છે. આજે તેની પાસે વિશાળ ફેન ફોલોઇંગ છે. એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ હિના ખાન સાઉથ સ્ટાર પ્રભાસની આગામી ફિલ્મ ‘વૃંદાવન’નો ભાગ બનશે. હિના ખાનના તમામ ચાહકો માટે સારા સમાચાર છે. અભિનેત્રીને સાઉથ સ્ટાર પ્રભાસ સાથે જોવી એ એક લાહવો હશે. જોકે હજુ સુધી કંઈ પણ કન્ફર્મ થયું નથી.
પ્રભાસ વિશે વાત કરીએ તો જન્માષ્ટમી નિમિત્તે ‘રાધે શ્યામ’ના નિર્માતાઓએ પ્રભાસ અને પૂજા હેગડેના તમામ ચાહકોને સુંદર સરપ્રાઇઝ આપી હતી. તેમણે ‘રાધે શ્યામ’નું પ્રભાસ અને પૂજાનું લેટેસ્ટ પોસ્ટર રિલીઝ કર્યું. પાન ઇન્ડિયા સ્ટારનું મોટું કૅન્વાસ, રોમૅન્ટિક ડ્રામા રાધે શ્યામ આવતા વર્ષે મકરસંક્રાંતિ પર દેશભરનાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.
ઉલ્લેખનીય છે કે હિના ખાન એક ટીવી અને ફિલ્મ અભિનેત્રી છે. તે સ્ટાર પ્લસ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં અક્ષરા અને ‘કસૌટી જિંદગી કી’માં કોમોલિકા માટે જાણીતી છે. તેણે રિયાલિટી શો ‘ફિયર ફૅક્ટર: ખતરોં કે ખિલાડી 8’ અને ‘બિગ બૉસ 11’માં વર્ષ 2017માં ભાગ લીધો હતો અને બંનેમાં ફર્સ્ટ રનર અપ તરીકે ઊભરી આવી હતી.