ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૭ જુલાઈ ૨૦૨૧
બુધવાર
બૉલિવુડને આજે મોટી ખોટ પડી છે. દિગ્ગજ અભિનેતા દિલીપકુમાર હવે આપણી વચ્ચે નથી રહ્યા. આ સાથે જ બૉલિવુડમાં શોકના માહોલની લાગણી પ્રસરી ગઈ. ચાલો, આજે આપણે તેમની ઉપલબ્ધિ અને તેમના જીવનની કેટલીક વાતોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવીએ.
દિલીપ કુમારનો જન્મ 11 ડિસેમ્બર, 1922માં પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. તેમનું સાચું નામ મોહમ્મદ યુસુફ ખાન હતું. તેમના પિતાનું નામ લાલા ગુલામ સરવર હતું. તેઓ ફળો વેચીને ગુજરાન ચલાવતા હતા. દિલીપકુમારને 12 ભાઈ-બહેન હતાં. મોટા પરિવારના કારણે ઘર ચલાવવામાં મુશ્કેલી પડતી હતી. ભારત-પાકના ભાગલા સમયે દિલીપકુમાર પરિવાર સાથે મુંબઈ આવ્યા હતા. આવ્યા પછી ન તો ઘર હતું અને ના પૈસા. આ પછી દિલીપકુમારે પુણેની આર્મી ક્લબમાં એક સેન્ડવિચ સ્ટૉલ પર કામ શરૂ કર્યું. દિલીપસાહેબ એક વાર નૈનિતાલ ગયા હતા, ત્યાં તેમની મુલાકાત દેવિકા રાની સાથે થઈ. ભારતીય સિનેમાના ઇતિહાસમાં દેવિકા પહેલી હીરોઇન હતાં, જેમણે ઑન-સ્ક્રીન કિસ કરી હતી. દેવિકાએ તેમને સલાહ આપી કે તમારે ફિલ્મોમાં જવું જોઈએ, પરંતુ દિલીપે તેમની વાત અવગણી. દેવિકાને મળ્યાના કેટલાક સમય બાદ તેઓ મુંબઈ લોકલમાં યાત્રા કરી રહ્યા હતા ત્યાં તેમને ડૉક્ટર મસાની મળ્યા. તેમણે પણ એ જ વાત કહી જે દેવિકાએ કહી હતી અને પછી દિલીપસાહેબ પહોંચી ગયા દેવિકાના સ્ટુડિયો પર. ત્યાં તેમને 1,250 રૂપિયા પગારની નોકરી મળી ગઈ. આ દિલીપસાહેબની ફિલ્મી કારકિર્દીની સફરની શરૂઆત હતી, ત્યારે તેમનું નામ મોહમ્મદ યુસુફ ખાન હતું, પરંતુ દેવિકાને આ નામ હીરોલાયક નહોતું લાગતું. 1944માં યુસુફથી દિલીપ બનેલા આ અભિનેતાની ફિલ્મ ‘જ્વાર ભાટા’ રિલીઝ થઈ, પરંતુ ફિલ્મ નિષ્ફળ રહી. આ પછી દિલીપકુમારે ‘જુગ્નૂ’, ‘શહીદ’, ‘અંદાઝ’, ‘જોગન’, ‘દાગ’, ‘આન’, ‘દેવદાસ’, ‘નયા દૌર’ અને ‘મુગલ-એ-આઝમ’ જેવી સુપરહિટ ફિલ્મ્સ આપી. 25 વર્ષની ઉંમરે તેઓ દેશના નંબર વન અભિનેતા બન્યા. દિલીપસાહેબને 8 ફિલ્મફેર ઍવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા, દિલીપકુમારને દાદા ફાળકે ઍવૉર્ડ, પદ્મ ભૂષણ અને સર્વોચ્ચ સન્માન પણ મળ્યું હતું. આ સિવાય તેમને પાકિસ્તાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન પણ મળ્યું હતું.
દિલીપકુમારે તેમનાથી નાનાં સાયરાબાનુ સાથે વર્ષ ૧૯૬૬માં લગ્ન કર્યા હતા. લગ્ન સમયે સાયરાબાનુ માત્ર વીસ વર્ષનાં હતાં, જ્યારે દિલીપકુમાર 44 વર્ષના હતા. દિલીપકુમારના સંબંધોની ચર્ચા મધુબાલા સાથે પણ થઈ હતી, પરંતુ દિલીપકુમારે મધુબાલા સાથે લગ્ન નહોતાં કર્યાં.
અલવિદા ટ્રેજેડી કિંગ,દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું દેહાવસાન
બંનેની ઉંમર વચ્ચે લગભગ વીસ વર્ષનો તફાવત હોવા છતાં બંને વચ્ચે પ્રેમ એક સરખો જ હતો. સાયરાબાનુ દિલીપકુમારના અંતિમ શ્વાસ સુધી પડછાયાની માફક સાથે રહ્યાં હતાં.