ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 ઑક્ટોબર, 2021
શુક્રવાર
ફિલ્મ નિર્માતા અને ડિઝાઇનર ગૌરી ખાનનો આજે જન્મદિવસ છે. જોકે આ વખતે તેનો જન્મદિવસ દર વર્ષની જેમ ખાસ રીતે ઊજવવામાં આવે એવી અપેક્ષા નથી, કારણ કે તેનો પુત્ર આર્યન ખાન હાલમાં ડ્રગ્સ કેસમાં તપાસ હેઠળ છે. તેને ડ્રગ્સ કેસમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. અગાઉ આર્યન ખાન NCBની કસ્ટડીમાં હતો. આર્યનને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા બાદ તરત જ જામીન અરજી કરી હતી.
ગૌરી ખાન, જેણે ઉદ્યોગની અગ્રણી હસ્તીઓનાં ઘરો અને ઑફિસો ડિઝાઇન કરી છે. તેનો જન્મ 8 ઑક્ટોબર, 1970ના રોજ થયો હતો. તે લૅડી શ્રી રામ કૉલેજ, દિલ્હી યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં સ્નાતક થઈ. આ પછી ગૌરીએ શાહરુખ ખાન સાથે લગ્ન કર્યાં. બંનેનાં લગ્ન 25 ઑક્ટોબર, 1991ના રોજ થયાં હતાં. ગૌરી અને શાહરુખની લવ સ્ટોરી પણ ઓછી રસપ્રદ નથી. શાહરુખ ખાન પહેલી જ મુલાકાતમાં તેના પ્રેમમાં પડી ગયો હતો. આ પછી બંને લગભગ છ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યાં અને અંતે લગ્ન કરી લીધાં. બંનેની પહેલી મુલાકાત એક પાર્ટીમાં થઈ હતી. એ સમયે શાહરુખ ખાન 19 વર્ષનો હતો અને ગૌરી માત્ર 14 વર્ષની હતી.
હાલમાં આ જોડી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી સફળ અને અનુકરણીય જોડી છે. હવે સવાલ એ ઊભો થાય છે કે આ પર્ફેક્ટ કપલમાંથી કોણ વધારે કમાય છે? એક રિપૉર્ટ અનુસાર હાલમાં શાહરુખ ખાનની કુલ સંપત્તિ 5,100 કરોડ છે, જ્યારે ગૌરી ખાનની સંપત્તિ 1,600 કરોડની આસપાસ છે. આ મુજબ શાહરુખ ખાન ગૌરી કરતાં વધારે કમાય છે. રિપૉર્ટ અનુસાર ગૌરી અને શાહરુખની વાર્ષિક આવક 256 કરોડ છે. વર્ષ 2018માં એક મૅગેઝિન દ્વારા ગૌરી ખાનને 50 સૌથી પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં સામેલ કરવામાં આવી હતી.