ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,27 જાન્યુઆરી 2022
ગુરુવાર.
ટેલિવિઝન જગતની 'નાગિન' એટલે કે મૌની રોય તેના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્નના બંધનમાં બંધાઈ છે. હલ્દી અને મહેંદી પછી ચાહકો બંનેના લગ્નની તસવીરોની રાહ જોઈ રહ્યા હતા. જોકે, ચાહકોની આ રાહ પણ પૂરી થઈ અને દુલ્હન બનેલી મૌની રોયના લગ્નની પહેલી ઝલક ચાહકો સુધી પહોંચી. લગ્નના મંડપમાંથી વર-કન્યાની પહેલી તસવીર સામે આવી છે.
મૌની રોય અને સૂરજે ગોવામાં દક્ષિણ ભારતીય પરંપરા પ્રમાણે લગ્ન કર્યા છે. કારણ કે સૂરજ દક્ષિણ ભારતીય છે, તેથી તેની સંસ્કૃતિને માન આપીને લગ્ન મલયાલી વિધિ મુજબ થયા છે. દક્ષિણ ભારતીય દુલ્હન બનેલી મૌની રોયની સાદગી તસ્વીરોમાં સ્પષ્ટ દેખાય છે. સિમ્પલ લુકમાં પણ મૌની અદભુત લાગી રહી છે. માગમાં ટીકો, કપાળ પર પટ્ટી, કાનની બુટ્ટી, ચોકર સેટ, ગોલ્ડન કડા, કમરબંધ સાથે તેનો બ્રાઈડ લુક પૂરો કર્યો છે.
મૌનીએ મીડિયમ મેક-અપ, બિંદી સાથે લુક સિમ્પલ રાખ્યો છે. તો સૂરજે ગોલ્ડન કલરનો કુર્તો અને સફેદ પાયજામા પહેર્યો છે. સૂરજ અને મૌનીની જોડી શાનદાર લાગી રહી છે. મૌની રોયની હલ્દી અને સંગીતના કાર્યક્રમો પણ ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા. મૌની રોય પ્રી-વેડિંગ ફંક્શનમાં પણ અદભૂત દેખાતી હતી.
અભિનેત્રી મૌની અને સૂરજ કોવિડ-19 પ્રોટોકોલના કારણે પોતાના લગ્નમાં વધારે સાવધાની રાખી છે. શરૂઆતમાં મૌનીની પાસે ગેસ્ટ લિસ્ટ લાંબુ હતું, જેમાં 50 લોકો સામેલ હતા. જો કે આ લિસ્ટ નાનું કરી દેવામાં આવ્યું હતું. લગ્નમાં તેના ખાસ મિત્રો અર્જુન બિજલાની, મંદિરા બેદી, આશકા ગોરાડિયા સહિત નજીકના લોકોએ હાજરી આપી હતી.