ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑક્ટોબર, 2021
શનિવાર
નવાઝુદ્દીન સિદ્દીકી બૉલિવુડના શ્રેષ્ઠ અભિનેતાઓમાંનો એક માનવામાં આવે છે. નવાઝુદ્દીને માત્ર ફિલ્મોમાં જ નહીં, પરંતુ ડિજિટલ પ્લૅટફૉર્મ ઉપર પણ 'સેક્રેડ ગેમ્સ' જેવા સુપરહિટ શો આપ્યા છે. નવાઝના શોને ડિજિટલ પ્લૅટફૉર્મ ઉપર ભલે ખૂબ પસંદ કરવામાં આવ્યો હોય, પરંતુ હવે તે ક્યારેય કોઈ OTT શોમાં જોવા મળશે નહીં. નવાઝ કહે છે કે હવે તે ડિજિટલનું કન્ટેન્ટ જોઈને ખૂબ નિરાશ છે.
એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં નવાઝે કહ્યું કે ડિજિટલ પ્લૅટફૉર્મ હવે અનાવશ્યક અને હલકી ગુણવત્તાવાળા કન્ટેન્ટ માટે ડમ્પિંગ ગ્રાઉન્ડ તરીકે કામ કરી રહ્યું છે. તેણે કહ્યું કે કાં તો ડિજિટલ પ્લૅટફૉર્મ માટે કોઈ સારા શો નથી અથવા જૂના શોની સિક્વલ અહીં બતાવવામાં આવી રહી છે, જેમાં બતાવવા માટે કંઈ બાકી નથી. આ વિશે વધુ વાત કરતાં નવાઝે કહ્યું, 'જ્યારે મેં નેટફ્લિક્સ માટે ‘સેક્રેડ ગેમ્સ’ કરી, ત્યારે હું ખૂબ જ ઉત્સાહિત હતો અને ડિજિટલ માધ્યમને એક પડકાર તરીકે લઈ રહ્યો હતો. અહીં નવી પ્રતિભાઓને તક મળતી હતી, પરંતુ હવે આ તાજગી ગાયબ થઈ ગઈ છે. હવે એ મોટા પ્રોડક્શન હાઉસ અને OTTના કહેવાતા સુપરસ્ટાર્સ માટે એક બિઝનેસ બની ગયો છે. મોટા પ્રોડ્યુસરોને વધુ ને વધુ કન્ટેન્ટ બનાવવા માટે ઘણા પૈસા મળી રહ્યા છે, જેના કારણે ગુણવત્તા સમાપ્ત થઈ ગઈ છે. નવાઝનું કહેવું છે કે હવે OTT શોનો સામનો કરવો મુશ્કેલ બની ગયો છે અને આવી સ્થિતિમાં તે આવા નકામા કન્ટેન્ટનો ભાગ બનવા માગતો નથી.
આખરે 27 દિવસ બાદ આર્યન ખાન જેલમાંથી મુક્ત, મન્નતમાં ખુશીનો માહોલ
નવાઝ કહે છે કે મોટા સ્ટારનો દરજ્જો ધરાવતા કલાકારો પણ OTT પ્લૅટફૉર્મથી ડરે છે. તેણે કહ્યું, 'આ સ્ટાર સિસ્ટમ મોટા પડદાને ખાઈ ગઈ. હવે આપણી પાસે કહેવાતા OTT સ્ટાર્સ છે, જેમના પર બૉલિવુડમાં પાણીની જેમ પૈસા વેડફાય છે, પરંતુ લોકો ભૂલી રહ્યા છે કે કન્ટેન્ટ હજી પણ રાજા છે. એ દિવસો ગયા જ્યારે સ્ટાર્સનું વર્ચસ્વ હતું. લૉકડાઉન અને OTT પ્લૅટફૉર્મના આગમન પહેલાં સ્ટાર્સ તેમની ફિલ્મો 3000 થિયેટરોમાં રિલીઝ કરતા હતા અને પછી લોકો પાસે તેમને જોયા વિના કોઈ વિકલ્પ ન હતો, પરંતુ હવે તેમની પાસે અમર્યાદિત પસંદગીઓ છે.