ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021
સોમવાર
ખૈબર પખ્તુનખ્વા સરકાર દ્વારા સંપત્તિનો કબજો મેળવ્યા બાદ પેશાવરમાં બૉલિવુડના દિગ્ગજ અભિનેતાઓ દિલીપકુમાર અને રાજ કપૂરનાં પૈતૃક ઘરો માટે રિસ્ટોરેશન અને રિનોવેશનનું કામ શરૂ થયું છે. એક મીડિયા હાઉસના અહેવાલમાં આ માહિતી આપવામાં આવી હતી. રાજ કપૂરનું પૈતૃક ઘર જે કપૂર હવેલી તરીકે ઓળખાય છે અને દિલીપકુમારનું પૈતૃક ઘર જે પેશાવરના કિસ્સા ખ્વાની બજાર વિસ્તારમાં છે. સરકારની યોજના મુજબ બંને બૉલિવુડ સ્ટાર્સનાં ઘરોને તેમની મૂળ સ્થિતિમાં પુન:સ્થાપિત કરવામાં આવશે શરૂઆતમાં બંને મકાનોમાંથી કાટમાળ હટાવીને સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. દરમિયાન દિલીપકુમારના ભત્રીજા ફવાદ ઇશાકે તેના કાકા અને રાજ કપૂરના પૈતૃક ઘરને પુન:સ્થાપિત કરવાના સરકારના નિર્ણયની પ્રશંસા કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે દિલીપકુમારનો પેશાવર સાથેનો લગાવ ક્યારેય ઓછો થયો નહતો.
રાજ કપૂરનું પૈતૃક ઘર, જે કપૂર હવેલી તરીકે ઓળખાય છે, એ કિસ્સા ખ્વાની બજારમાં આવેલી છે. એ પ્રખ્યાત અભિનેતાના દાદા દીવાન બશેશ્વરનાથ કપૂરે 1918થી 1922ની વચ્ચે આ હવેલી બનાવી હતી. રાજ કપૂર અને તેના કાકા ત્રિલોક કપૂરનો જન્મ આ ઘરમાં થયો હતો. પ્રાંત સરકારે તેને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરી છે.
દિવંગત અભિનેતા દિલીપકુમારનું 100 વર્ષ જૂનું પૈતૃક ઘર પણ આ જ વિસ્તારમાં આવેલું છે. આ ઘર જર્જરિત છે અને 2014માં તત્કાલીન મુખ્ય મંત્રી નવાઝ શરીફ સરકારે રાષ્ટ્રીય વારસો જાહેર કર્યો હતો.