ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ફેબ્રુઆરી 2022
સોમવાર.
દેશની સૂર સામ્રાજ્ઞી “ભારત રત્ન” લતા મંગેશકર પર રવિવારે દાદરના શિવાજી પાર્કમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ દર્શન કરવા આવેલા ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાને પણ તેમને શ્રંધ્ધાજલી આપી હતી, જોકે તેનાથી વિવાદ થઈ ગયો હતો. તે લતા મંગેશકરના પાર્થિવ પર થુંક્યો હોવાની ગેરસમજ નિર્માણ થતા શાહરૂખ ખાન સોશિયલ મિડિયા પર ટ્રોલ થઈ ગયો હતો.
લતા દીદીના પાર્થિવ શરીરને શિવાજી પાર્કમાં લોકોને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. તેમને શ્રંધ્ધાજલી આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનથી લઈને રાજકીય અને કલાક્ષેત્રના દિગ્ગજો હાજર રહ્યા હતા, જેમાં શાહરૂખ ખાન પણ આવ્યો હતો. તે લતા મંગેશકરના પાર્થિવ શરીર સામે ઉભો રહ્યો હતો અને તેણે મુસ્લિમ રિવાજ પ્રમાણે બંને હાથેથી દુવા માગી હતી ત્યારે શાહરૂખના મોઢા પર માસ્ક હતો. છેલ્લે તેણે માસ્ક કાઢીને થુંક્યા જેવું વર્તન કર્યું હતું. તેને કારણે તે સોશિયલ મિડિયામાં ટ્રોલ થઈ ગયો હતો.
સોશિયલ મિડિયા પર તેની ભારે ટીકા થવા માંડી હતી, જેમાં અમુક લોકોએ તેની બાજુ લેતા કહ્યું હતું કે શાહરૂખ થુંક્યો નથી પણ હવામાં ફૂંક મારીને દુવા માગી હતી. આ મુસ્લિમોમાં એક પ્રકારનો રિવાજ છે. ત્યારે કોરોના કાળમાં આવું કરવું યોગ્ય ન હોવાની પણ સોશિયલ મિડિયા પર તેની ટીકા કરવામાં આવી હતી.