ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
મનોરંજન જગતમાંથી ખૂબ જ દુ:ખદ સમાચાર આવ્યા છે. બિગ બૉસ 13 વિજેતા અને જાણીતા ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લા હવે આ દુનિયામાં નથી. સિદ્ધાર્થ શુક્લાનું મૃત્યુ માત્ર 40 વર્ષની ઉંમરે હાર્ટ ઍટેકથી થયું. કોઈ પણ માનતું નથી કે સિદ્ધાર્થ ખરેખર આ દુનિયામાં નથી. આજે સવારે તેને હાર્ટ ઍટેક આવ્યો હતો અને જ્યારે તેને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
સિદ્ધાર્થ માત્ર ટીવીનો જાણીતો ચહેરો જ નહોતો, પણ તેણે કરણ જોહરની ફિલ્મ ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’માં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. શુક્લાએ ‘બિગ બૉસ’માં તમામ સ્પર્ધકોને સખત સ્પર્ધા પણ આપી અને સિઝન 13નો ખિતાબ જીત્યો. સિદ્ધાર્થના નિધનના સમાચારથી તેના ચાહકો ચોંકી ગયા છે.
સિદ્ધાર્થનો જન્મ મુંબઈમાં થયો હતો. ઉલ્લેખનીય છે કે તે ટીવીનો આટલો પ્રખ્યાત ચહેરો બન્યો હતો, પરંતુ તેની રુચિ ક્યારેય મૉડલિંગ કે અભિનયમાં નહોતી. સિદ્ધાર્થ હંમેશાં બિઝનેસ કરવા માગતો હતો. તે પોતાના દેખાવને કારણે લોકોને આકર્ષિત કરતો હતો. એક વાર વર્ષ 2004માં તેની માતાના કહેવા પર સિદ્ધાર્થે એક મૉડલિંગ સ્પર્ધામાં ભાગ લીધો. સિદ્ધાર્થ પોર્ટફોલિયો લીધા વગર અહીં પહોંચ્યો. જ્યુરીએ સિદ્ધાર્થનો દેખાવ જોયા બાદ તેની પસંદગી કરી હતી. સિદ્ધાર્થે તેની માતાના કહેવા પર અનિચ્છાએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, પરંતુ તેને ખબર ન હતી કે તેનાથી તેનું નસીબ બદલાઈ જશે. સિદ્ધાર્થે આ સ્પર્ધા જીતી હતી. આ પછી, સિદ્ધાર્થને 2008માં તુર્કીમાં યોજાનારા વિશ્વના સૌથી મોટા મૉડલિંગ શોમાં મોકલવામાં આવ્યો હતો, ત્યાં પણ સિદ્ધાર્થે જીતીને દેશનું નામ રોશન કર્યું હતું.
બાદમાં તેણે ફેરનેસ ક્રીમની જાહેરાતમાં પણ કામ કર્યું. આ જાહેરાત બાદ તેને ટીવી શો 'બાબુલ કા આંગન છૂટે ના'માં મુખ્ય ભૂમિકા મળી. જોકે તેને આ સિરિયલથી વધારે ઓળખ મળી નથી. આ પછી તેને કલર્સ ટેલિવિઝન શો 'બાલિકા વધૂ'માં શિવનું પાત્ર મળ્યું. સિદ્ધાર્થે આ સિરિયલથી પોતાની ઓળખ બનાવી હતી. નોંધનીય છે કે આ શોમાં તેની હિરૉઇન બનેલી પ્રત્યુષા બેનર્જી પણ હવે આ દુનિયામાં નથી. સિદ્ધાર્થ કલર્સ શો 'દિલ સે દિલ તક'માં રશ્મિ દેસાઈની સામે જોવા મળ્યો હતો. બિગ બૉસમાં સિદ્ધાર્થ અને શહનાઝની કેમિસ્ટ્રીએ ચાહકોનાં દિલ જીતી લીધા હતા.
રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીની મુશ્કેલીઓ વધી શકે છે : દિલ્હીના વેપારીએ લગાવ્યો આ આરોપ, આ છે કેસ
એક રિપૉર્ટ અનુસાર તેની નેટવર્થ લગભગ બે મિલિયન ડૉલર છે. ટીવી શો સિવાય તેની કમાણીનો મુખ્ય સ્રોત જાહેરાતો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ હતા. કેટલાક અહેવાલો કહે છે કે તે બૉલિવુડ ફિલ્મ માટે લગભગ એક કરોડ રૂપિયા લેતો હતો. એવું કહેવાય છે કે સિદ્ધાર્થ ટીવી શોના એપિસોડ દીઠ આશરે 2 લાખ રૂપિયા લેતો હતો. તેના વિશે કહેવામાં આવે છે કે તેને વૈભવી જીવન જીવવાનો શોખ હતો. સિદ્ધાર્થના નિધન પર ફિલ્મ અને ટીવી જગતે શોક વ્યક્ત કર્યો છે. અભિનેતા મનોજ બાજપેયીથી લઈને હાસ્ય કલાકાર સુનીલ ગ્રોવર સુધી ઘણા કલાકારોએ તેના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.