ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑગસ્ટ, 2021
શુક્રવાર
અરે શું… મહેતાસાહેબ પાસેથી આ અપેક્ષા નહોતી. તેઓ જેઠાલાલની ફાયર બ્રિગેડ હતા, જે દરેક મુશ્કેલીમાં તેમની પડખે ઊભા રહ્યા છે અને તેમની દરેક સમસ્યાનું સમાધાન પણ શોધી કાઢતા. થોડા સમય પહેલાંની જ વાત છે જ્યારે મહેતાસાહેબે જેઠાલાલ માટે પોતાની નોકરી પણ દાવ પર લગાવી દીધી હતી, તો આજે અચાનક શું થયું કે મહેતાસાહેબે આ બધું કર્યું. આવી અપેક્ષા જેઠાલાલને તો શું, આપણને પણ નહોતી. જેઠાલાલના શ્રેષ્ઠ મિત્ર મહેતાસાહેબે તેમની સાથે દગો કર્યો છે, તેમનું વચન તોડ્યું છે. એટલે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું આગામી સપ્તાહ જબરદસ્ત ધમાલ મચાવનારું છે.
જો તમને આ મામલો સમજાયો નથી તો ચાલો તમને આખો મામલો જણાવીએ. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ગોકુલધામ સોસાયટીમાં આ દિવસોમાં રસીકરણ શિબિર ચાલી રહી છે. જેમાં કોવિડની રસી બધાને આપવામાં આવી રહી છે, પરંતુ જેઠાલાલને સોયનો ડર લાગે છે, એથી તેમણે તાવ હોવાનો ડોળ કરીને રસી ટાળવાનો પ્રયાસ કર્યો છે. મહેતાસાહેબ આ વાત જાણતા હતા, પણ જેઠાલાલે બાપુજીને કહેવાની ના પાડી હતી. છતાં મહેતાસાહેબે જેઠાલાલનું જુઠ્ઠું માત્ર બાપુજી જ નહીં, બધા ગોકુલધામવાસીઓ સામે કહ્યું. જેના કારણે હવે બાપુજી ગુસ્સાથી લાલ અને પીળા થઈ ગયા છે.
હવે પ્રશ્ન એ છે કે બાપુજી જેઠાલાલનું શું કરશે? હવે જેઠાલાલે ઇન્જેકશન લેવું પડશે, પણ એ પહેલાં તેમણે જૂઠું બોલવાની સજા ભોગવવી પડશે. કદાચ બાપુજી તેમને થોડી સજા પણ આપશે. ઠીક છે, ગમે એ હોય પણ એક વાત સ્પષ્ટ છે કે આવનારા દિવસોમાં, તારક મહેતા શોમાં ઘણી મજા આવશે, કારણ કે પ્રેક્ષકોને મનોરંજનનો ડબલ ડોઝ મળશે.