ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧ જુલાઈ ૨૦૨૧
ગુરુવાર
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દરેક ઘરનો પ્રિય શો છે. આ શો ઘણાં વર્ષોથી લોકોનું મનોરંજન કરે છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જેઠાલાલની ભૂમિકા નિભાવનારા દિલીપ જોશીના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા. અભિનેતાએ ખૂબ હિંમતથી તેમની તમામ મુશ્કેલીઓને દૂર કરી છે. એક ઇન્ટરવ્યૂમાં દિલીપ જોશીએ લોકોની સમક્ષ તેમની જેઠાલાલની યાત્રા અને સંઘર્ષના દિવસોની વાત કરી હતી. દિલીપ જોશીએ કહ્યું હતું કે, 'જ્યારે શો શરૂ થયો ત્યારે અમારા બધાના મનમાં એક જ વિચાર હતો કે ટીવી પર સાસુ-વહુ, ઘરમાં લડાઈઓના ઘણા નકારાત્મક શો આવે છે, આ દરમિયાન અમે લોકોના ડ્રૉઇંગ રૂમ સુધી પહોંચી રહ્યા છીએ, તો એવામાં શું કામ અમે સમાજને પૉઝિટિવ કોઈ મૅસેજ ન આપીએ?
દિલીપ જોશીએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે તેમને જેઠાલાલ અને ચંપકલાલમાંથી પોતાને ગમતી ભૂમિકા પસંદ કરવાની તક મળી હતી. મને પહેલા અસિતે જેઠાલાલ અને ચંપકલાલ બંને પાત્રોમાંથી એક પાત્ર પસંદ કરવા કહ્યું હતું. મેં કહ્યું કે ચંપકલાલનો રોલ હું નહીં કરું અને જેઠાલાલનો પણ રોલ નહીં કરું, કેમ કે હકીકતમાં કૅરિકૅચરવાળો જેઠાલાલ ઘણો દૂબળો અને પાતળો હતો તેમ જ ચાર્લી મૂછવાળો હતો. હું તેના જેવો દેખાતો જ નથી. પછી મેં કહ્યું કે જેઠાલાલનો રોલ કરવાનો પ્રયત્ન કરી શકું છું. અસિત મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે હું જે પણ ભૂમિકા નિભાવીશ એ સારી રીતે કરીશ.
દિલીપકુમાર કુમાર બાદ હવે બોલિવૂડના આ દિગ્ગજ કલાકાર થયા હોસ્પિટલમાં એડમિટ
આ દરમિયાન જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ તેમના મુશ્કેલ સમય વિશે જણાવ્યું હતું. ઘણાં વર્ષો સુધી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યા પછી પણ, તેમના જીવનમાં એક સમય એવો આવ્યો જ્યારે તેમની પાસે કામ નહોતું. આ વિશે વાત કરતાં જેઠાલાલે કહ્યું હતું કે 'આ એક અસુરક્ષિત લાઇન છે, એવું નથી કે જો તમારું કોઈ પાત્ર હિટ થઈ જાય તો તમને ઘણી ભૂમિકાઓ મળવાનું ચાલુ રહેશે. મને જેઠાલાલનો રોલ મળ્યો એ પહેલાં મારી પાસે દોઢ વર્ષ સુધી કોઈ કામ નહોતું. હું જે સિરિયલમાં કામ કરતો હતો એ બંધ થઈ જતી હતી અને નાટક પૂરું થઈ જતું હતું. આવી સ્થિતિમાં દોઢ વર્ષથી મારી પાસે કામ જ નહોતું. એ સમયગાળો મારા માટે ખૂબ જ મુશ્કેલ હતો. આ ઉંમરે કઈ નવી લાઇન પકડવી એ હું સમજી શક્યો નહીં, પરંતુ ભગવાનની કૃપાથી મને આ સિરિયલ મળી.