ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઑગસ્ટ, 2021
શુક્રવાર
બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ નાર્કોટિક કન્ટ્રોલ બ્યુરો (NCB) ડ્રગ એંગલની તપાસ કરી રહી છે, જેમાં ઘણા લોકોનાં નામ સામે આવ્યાં છે. આ કેસમાં સુશાંતના મિત્ર અને ફ્લૅટમેટ સિદ્ધાર્થ પીઠાણીની 29 મેના રોજ હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી હતી, ત્યાર બાદ તેની જામીન અરજી બે વખત ફગાવી દેવામાં આવી છે. સિદ્ધાર્થ પીઠાણીના વકીલ તારક સૈયદે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટેન્સિસ (NDPS) કોર્ટ દ્વારા તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેના જણાવ્યા અનુસાર કોર્ટે જામીન નામંજૂર કર્યા છે, કારણ કે તેમને એમાં કોઈ યોગ્યતા દેખાતી નથી.
મે મહિનામાં ધરપકડ કરાયેલા સિદ્ધાર્થ પીઠાણીને 25 જૂને લગ્ન માટે બહાર આવવાની મંજૂરી આપવામાં આવી હતી, ત્યાર બાદ તેણે પોતે 2 જુલાઈએ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. ત્યારથી તેના દ્વારા દાખલ કરવામાં આવેલી બે જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. સિદ્ધાર્થ પર સુશાંતને ડ્રગ્સ ખરીદવામાં મદદ કરવાનો આરોપ છે, ત્યાર બાદ તેની NDPS ઍક્ટની કલમ 27-A હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.