ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7ઑક્ટોબર, 2021
ગુરુવાર
બૉલિવુડ સ્ટાર્સે પોતાની ઍક્ટિંગથી લોકોના દિલ પર પોતાની છાપ છોડી છે. આ સિવાય જ્યારે પણ તે તેમના પ્રિયજનોને મળે છે ત્યારે તેમના ચહેરા પર હંમેશાં સ્મિત રહે છે અને તે દરેકને ખૂબ પ્રેમથી મળે છે. પણ તેમના સ્મિત પાછળ છુપાયેલું દર્દ માત્ર તેઓ જ જાણે છે. આજે અમે તમને બૉલિવુડ સાથે જોડાયેલા એવા સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેઓ ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે અથવા પીડાઈ ચૂક્યા છે.
સલમાન ખાન
ભાઈજાન સલમાન ખાનને ટ્રાઇજેમિનલ ન્યુરલજીયા નામની બીમારી છે, જેના માટે તેણે લાંબા સમય સુધી સારવાર લીધી. તે લગભગ 9-10 વર્ષથી આ રોગથી પીડિત છે. જોકે તેને હજી પણ આ રોગમાંથી સંપૂર્ણ રાહત મળી નથી. તે હજુ પણ ઘણી વાર તેની સારવાર માટે અમેરિકા જાય છે. ખરેખર, તે એક પ્રકારનો ન્યુરોપેથિક ડિસઓર્ડર છે, જેમાં ચહેરાના ઘણા ભાગમાં માથા, જડબા વગેરેમાં ઘણો દુખાવો થાય છે.
અમિતાભ બચ્ચન
બિગ બીની વાત કરીએ તો તેઓ માત્ર એક રોગથી પીડાતા નથી, પરંતુ તેઓ અનેક રોગોથી પીડિત છે. 37 વર્ષ પહેલાં ફિલ્મ 'કૂલી'ના શૂટિંગ દરમિયાન તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં તેમનું લીવર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયું હતું. જેની અસર આજે પણ પૂરી થઈ નથી, તેઓ વારંવાર પેટમાં દુખાવાની ફરિયાદ કરે છે. તમને જણાવી દઈએ કે તેમને હિપેટાઈટીસ-બી હતો, જેના કારણે તેમનું 75 ટકા લીવર ડેમેજ થઈ ગયું છે. આ ઉપરાંત તેઓ અસ્થમા, લીવર સિરોસિસ, ક્ષય રોગ, નાના આંતરડાના ડાયવર્ટિક્યુલાટીસ જેવા રોગો સામે લડી રહ્યા છે.
સોનમ કપૂર
અભિનેત્રી સોનમ વિશે બહુ ઓછા લોકો જાણે છે કે તે ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીથી પીડિત છે. આ રોગને કારણે, તેનું વજન 85 કિલોથી વધુ હતું. જોકે સોનમે દૈનિક ઇન્સ્યુલિન ડોઝ અને વિશેષ આહાર અપનાવ્યા બાદ આ રોગ પર કાબૂ મેળવ્યો છે.
મિથુન
ફિલ્મ ઉદ્યોગના મજબૂત અભિનેતા અને ડાન્સર મિથુન પીઠના દુખાવાની સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યો છે. ગયા વર્ષે તેની સમસ્યા વધી ગઈ હતી, ત્યાર બાદ તેને સારવાર માટે અમેરિકા લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી. સર્જરી બાદ તેને થોડી રાહત મળી, પરંતુ આ સમસ્યા મૂળમાંથી ખતમ થઈ નથી.
યામી ગૌતમ
બૉલિવુડની સુંદર અભિનેત્રી યામી ગૌતમ ત્વચા સંબંધિત રોગ સામે લડી રહી છે, જેને તેણે હવે અપનાવી છે. ખરેખર તે ચામડીની સ્થિતિ કેરાટોસિસ પિલેરીસથી પીડાય છે, જેમાં તમારી ત્વચા પર નાના ખીલ દેખાય છે. યામીને તેના ચહેરા પર આ ખીલ છુપાવવા માટે મેકઅપનો ઉપયોગ કરવો પડે છે. તેણે પોતે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શૅર કરીને પોતાને આ રોગથી પીડિત હોવાનું જાહેર કર્યું હતું.
મુમતાઝ
તેના સમયની પીઢ અભિનેત્રી મુમતાઝ સ્તન કૅન્સર જેવી ગંભીર બીમારીથી પીડિત છે. વર્ષ 2000માં આ રોગનું નિદાન થયું હતું. એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે, "હું કૅન્સરથી ડરતી નથી. હું મારા મૃત્યુ સુધી આ રોગ સામે લડીશ." તમને જણાવી દઈએ કે બૉલિવુડ ઘણા લોકો કૅન્સર જેવી ગંભીર બીમારીથી પીડિત છે. મુમતાઝ ઉપરાંત સોનાલી બેન્દ્રે, લિસા રે, મનીષા કોઈરાલાને પણ કૅન્સર હતું. જોકે તેમને સારવાર મળી અને હવે તે સાજાં પણ થઈ ચૂક્યાં છે.