ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑક્ટોબર, 2021
બુધવાર
બૉલિવુડમાં પ્રેન્કનો ટ્રેન્ડ જૂનો છે. અજય દેવગણને બૉલિવુડનો સૌથી મોટો પ્રેન્કર માનવામાં આવે છે. એક વાર અમિતાભ બચ્ચન અને અર્ચના પુરન સિંહ વિશેના એક મૅગેઝિને તેના વાચકો સાથે એપ્રિલ ફૂલની મજાક કરી હતી, જે ઊંધી પડી ગઈ હતી. વાસ્તવમાં મૅગેઝિને અમિતાભ બચ્ચન અને અર્ચના પુરન સિંહની તસવીર પ્રકાશિત કરી અને સમાચાર પ્રકાશિત કર્યા હતા કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે.
એક મીડિયા હાઉસના અહેવાલ અનુસાર વર્ષ 1990માં સિનેબ્લિટ્ઝ ફિલ્મી મૅગેઝિનમાં અર્ચના પુરન સિંહ સાથે અમિતાભની તસવીર દેખાઈ હતી. મૅગેઝિનમાં લખવામાં આવ્યું હતું કે અમિતાભ બચ્ચન અને અર્ચના પુરન સિંહ એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ સમાચાર બહાર આવ્યા બાદ મીડિયા અમિતાભ બચ્ચનની પાછળ પડી ગયું. જોકે અમિતાભે આ અંગે એક શબ્દ પણ ઉચ્ચાર્યો ન હતો. અમિતાભ બચ્ચનને જાણ કરવામાં આવી હતી કે મૅગેઝિન તેના વાચકોને એપ્રિલ ફૂલના દિવસે અર્ચના અને તેની સાથે પ્રેન્ક કરવા જઈ રહ્યું છે. મૅગેઝિને તેમની પાસેથી પરવાનગી પણ લીધી હતી. ફોટોશૂટમાં અર્ચનાની સાથે અમિતાભ નહીં, પરંતુ તેમનો ડુપ્લિકેટ હતો. અમિતાભને કહેવામાં આવ્યું હતું કે મૅગેઝિન આ સમાચાર હેઠળ લખશે કે તે માત્ર એક પ્રેન્ક હતી, જે એપ્રિલ ફૂલ પર કરવામાં આવ્યું હતું. મૅગેઝિને સમાચાર પ્રકાશિત કર્યા, પરંતુ ફોટાની નીચે આ લાઇન લખવાનું ભૂલી ગયું, જેના કારણે અમિતાભ બચ્ચન અને અર્ચના પુરન સિંહ મુશ્કેલીમાં મુકાયાં.
દુખદ સમાચાર : 'લંકેશ' એટલે કે અરવિંદ ત્રિવેદીનું દુઃખદ અવસાન
એક વાર અજય દેવગણે પણ અમિતાભ બચ્ચન સાથે પ્રેન્ક કર્યું હતું. એ દિવસોમાં અજય દેવગણે ક્યાંકથી એવું ડિવાઇસ લીધું હતું, જેના દ્વારા જો કોઈ વ્યક્તિ પાસે ફોન ન હોય તો પણ તેના નંબર પરથી બીજા કોઈને મૅસેજ મોકલી શકાય. અજયે એ ડિવાઇસનો ઉપયોગ અમિતાભ બચ્ચનના પીએને તેના પોતાના નંબર પરથી મૅસેજ આપવા માટે કર્યો હતો કે તેણે આવતી કાલે સવારે આવવાનું છે. મૅસેજ મળ્યા બાદ પીએ વહેલી સવારે અમિતાભ બચ્ચનના ઘરે પહોંચ્યા. અમિતાભે વહેલા આવવાનું કારણ પૂછ્યું ત્યારે તેમણે તેમના નંબર પરથી મોકલેલો મૅસેજ બતાવ્યો. અમિતાભ એ જોઈને સ્તબ્ધ થઈ ગયા કે તેમણે ન તો મૅસેજ મોકલ્યો કે ન તો કોઈને ફોન આપ્યો હતો. ઘણા સમય બાદ અજય દેવગણે અમિતાભને આ પ્રેન્ક વિશે માહિતી આપી હતી.