News Continuous Bureau | Mumbai
12મી મેના રોજ એક ફિલ્મ રિલીઝ થઈ હતી, જેનું નામ છે ‘અબ દિલ્લી દૂર નહીં’. નાના બજેટ અને નવી સ્ટારકાસ્ટના કારણે આ ફિલ્મને બહુ સ્ક્રીન્સ ન મળી અને ફિલ્મની ચર્ચા પણ ન થઈ. પરંતુ આ દરમિયાન કંઈક એવું બન્યું છે, જેના કારણે ઈમરાન ઝાહિદની આ ફિલ્મ સમાચારોમાં આવી ગઈ છે. મુકેશ અંબાણીએ તેમના ઘર એન્ટિલિયા પ્રાઈવેટ થિયેટરમાં આ ફિલ્મ જોવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને હવે ત્યાં ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ થશે.
મુકેશ અંબાણી એ ફિલ્મ જોવાની વ્યક્ત કરી ઈચ્છા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુકેશ અંબાણીની ટીમ તરફથી ‘અબ દિલ્લી દૂર નહીં ‘ના નિર્માતાઓને એક મેલ આવ્યો છે. આ મેલમાં કહેવામાં આવ્યું છે કે અંબાણી પરિવાર એન્ટિલિયા ના પ્રાઈવેટ થિયેટર્સમાં ફિલ્મ ‘અબ દિલ્લી દૂર નહીં’ જોવા માંગે છે. આ વિશે વાત કરતાં ઇમરાને કહ્યું, ‘આ અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે કે અમારી ફિલ્મ હજારો લોકોને પ્રેરણા આપી રહી છે એટલું જ નહીં, શ્રી મુકેશ અંબાણીની નજર પણ ખેંચી રહી છે. મને ખાતરી છે કે તેમને ફિલ્મ ગમશે. પહેલા તો અમને ફોન આવ્યો પણ વિશ્વાસ ના આવ્યો એટલે અમે મેઈલ માંગ્યો અને ત્યાર બાદ અમે બધા ચોંકી ગયા.
આ છે ફિલ્મની વાર્તા
ફિલ્મ ‘અબ દિલ્લી દૂર નહીં’ વિશે વાત કરીએ તો, આ એક ઈમોશનલ-ડ્રામા ફિલ્મ છે, જેની સ્ટોરી મોટિવેશનલ છે. અહેવાલો અનુસાર, આ ફિલ્મ બિહારના એક રિક્ષાચાલકના પુત્ર ગોવિંદ જયસ્વાલની વાર્તા પર આધારિત છે, જે IAS બનવાનું સપનું જુએ છે અને પરિવારને આર્થિક રીતે ટેકો આપવા માટે સફળ થાય છે. ગોવિંદની પસંદગી વર્ષ 2007માં સિવિલ સર્વિસમાં થઈ હતી, તેઓ IAS ઓફિસર બન્યા હતા. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મમાં મહેશ ભટ્ટનો પણ કેમિયો છે.
			        
			        
                                                        