News Continuous Bureau | Mumbai
બોલીવુડ અભિનેતા સલમાન ખાનને આજે બોમ્બે હાઈકોર્ટ માંથી મોટી રાહત મળી છે. પત્રકાર સાથે દુર્વ્યવહાર કરવાના આરોપોને ખોટા ગણાવતા કોર્ટે FIR રદ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા જારી કરાયેલા સમન્સને પણ હાઈકોર્ટે રદ્દ કરી દીધો છે. તેથી તેણે અંધેરી કોર્ટમાં હાજર રહેવું પડશે નહીં.
મહત્વનું છે કે 2019માં એક પત્રકારે સલમાન ખાન વિરુદ્ધ FIR નોંધાવી હતી. પત્રકારે અભિનેતા પર મારપીટ અને દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો. આ મામલામાં બોમ્બે હાઈકોર્ટે સલમાન ખાન વિરુદ્ધ નોંધાયેલ FIR રદ કરવાનો આદેશ આપ્યો છે.
વાત જાણે એમ છે કે વર્ષ 2019માં એક પત્રકાર બોલિવૂડ એક્ટર સલમાન ખાન અને તેના બોડીગાર્ડ નવાઝ શેખ પર મારપીટ અને દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો. પત્રકારે બાદમાં આ અંગે અંધેરીના મેજિસ્ટ્રેટમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલાને લઈને પત્રકારના વકીલે કહ્યું હતું કે આ ઘટના 24 એપ્રિલ 2019ની સવારે બની હતી. પત્રકાર સલમાન ખાન સાથે ફોટો પડાવી રહ્યા હતા. આ દરમિયાન અભિનેતાના બોડીગાર્ડે પત્રકાર પાસેથી તેનો ફોન છીનવી લીધો હતો અને તેની સાથે મારપીટ પણ કરી હતી. તેણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે સલમાન ખાને તેને ધમકી પણ આપી હતી. પોલીસે તેની ફરિયાદ પણ લખી ન હતી, ત્યારબાદ તેણે કોર્ટનો સંપર્ક કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : લ્યો બોલો.. હવે રસ્તાના વચ્ચે ટ્રાફિક જામ કરી કપલનું રોમાંસ, ટ્રાફિક પોલીસ અને લોકોના બૂમ બરાડા બાદ પણ ન થયા અલગ.. જુઓ વિડીયો
પત્રકારના આરોપ બાદ ડી.એન. નગર પોલીસ સ્ટેશનમાં સલમાન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ મામલો કોર્ટમાં ગયો હતો. કોર્ટે સમન્સ જારી કરીને સલમાનને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો. જે બાદ સલમાન અને તેના બોડીગાર્ડે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ બંને અરજીઓ પર અલગ-અલગ સુનાવણી કરવામાં આવી હતી. કોર્ટે બંને અરજીઓ સ્વીકારી સમગ્ર કેસને ફગાવી દીધો હતો. જસ્ટિસ ભારતી ડાંગરે સમક્ષ સમગ્ર કેસની સુનાવણી થઈ હતી.
ઉલ્લેખનીય છે કે સલમાન ખાન હંમેશા એક યા બીજા કારણોસર ચર્ચામાં રહે છે. તે જેલ પણ ગયો છે. તેને કાળિયારનો શિકાર કરવા બદલ 5 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. 1998માં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ દરમિયાન સલમાને રાજસ્થાનના જંગલોમાં કાળિયારનો શિકાર કર્યો હતો. કાળિયારનો શિકાર એ કાયદાકીય ગુનો છે અને જોધપુર કોર્ટે આ કેસમાં સલમાનને પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી, પરંતુ બાદમાં તેને આ કેસમાં જામીન મળી ગયા હતા. હાલમાં જ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સલમાનને કેસને લઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી તેના ઘરની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે